________________
સાકર ગમે તેટલા સમય સુધી પડી રહે છે, એમાં કડવાશ પેદા નથી જ થતી. માખણ ગમે તેટલા સમય સુધી પડ્યું રહે છે, એનામાં પથ્થરની કઠોરતા નથી જ પેદા થતી. પરંતુ સુખ ? સમય પસાર થાય છે, એના પ્રત્યેનું આકર્ષણ ઘટતું જ જાય છે. શબ્દો બદલાય છે, સુખની અનુભૂતિમાં કડાકો બોલાવા જ લાગે છે. સંયોગો બદલાય છે, સુખ કડવું લાગવા જ માંગે છે. આવા તકલાદી સુખ પાછળ કીમતી જીવન હોમી દેવાનું?
ઊંઘ જેવી એક નાનકડી ચીજ પણ હું મારી મેળે લાવી શકતો નથી. કાં તો એ આવે છે અને કાં તો એ નથી આવતી. | કમાલનું દુઃખદ આશ્ચર્ય તો એ છે કે હું આટલો બધો કમજોર હોવા છતાં આજે ય એમ માનીને જીવી રહ્યો છું કે ‘આપણે તો પથ્થરમાંથી ય પાણી પેદા કરી શકીએ છીએ !' બાલિશતા આનું જ નામ ને ?