________________
‘ગરુડરાજ ! ધરતી પર ચાલી રહેલ અત્યાચારોની પરંપરા દેખાવા છતાં ય તમે મુખ પર જે ગજબનાક સ્વસ્થતા ટકાવી શકો છો એનું અમને સહુને ભારે આશ્ચર્ય થાય છે. તમારી આ સ્વસ્થતા પાછળનું રહસ્ય શું છે? અમારે જાણવું છે? ગરુડરાજની મુલાકાતે આવેલા પંખીઓના પ્રતિનિધિ મંડળમાંથી ચમન ચકલાએ ગરુડરાજને પૂછ્યું, ‘રહસ્ય એક જ છે. આકાશમાં એ ઊંચાઈએ હું ઊડતો રહું છું કે ધરતી પર ચાલી રહેલ અત્યાચારો મને દેખાતા જ નથી. વિરાટ ઊંચાઈને સ્પર્શવાની આ જ તો મજા હોય છે કે નીચાણવાળા સ્થાન પર બનતા પ્રસંગો તમારી આંખ સામે આવતા જ નથી. મારી તો તમને સહુને પણ આ જ સલાહ છે કે મનની પ્રસન્નતા જો તમારે કાયમની બનાવી દેવી હોય તો મનને એ ઊંચાઈએ લઈ જાઓ કે જ્યાંથી નબળા પ્રસંગો મનના ચોપડે નોંધાય જ નહીં' ગરુડરાજના આ વક્તવ્યથી પંખીઓનું પ્રતિનિધિમંડળ પ્રસન્ન પ્રસન્ન બની ગયું.