________________
શહેરના મુખ્ય માર્ગના છેડે રહેલા એક વૃક્ષની ડાળ પર ‘બ્યુટી પાર્લર'ની જાહેરાતવાળું બોર્ડ ગરુડરાજના વાંચવામાં આવ્યું અને એ પળની ય વાર લગાડ્યા વિના આકાશમાંથી નીચે ઊતરી આવ્યા. ‘બ્યુટી પાર્લર’ના બોર્ડ પાસે બેઠેલ કાગડીની એમણે બોચી પકડી. ‘નીચ ! નાલાયક ! હલકટ ! માણસ જાતનો ચેપ તને લાગ્યો? વેશ્યાઓ, કોલગર્લો, મોડેલો અને અભિનેત્રીઓ પેદા કરવાનું કારખાનું તે આપણાં પંખીજગત માટે ખોલી નાખ્યું? તને ખબર છે ખરી, ‘બ્યુટી પાર્લર’ની શોધ માણસજાતે શા માટે કરી છે ? એ ઇચ્છે છે કે સ્ત્રીઓ બજારુ બની જાય, પુરુષો માટે સ્ત્રીઓ “માલ” બની જાય. સ્ત્રીઓ ઘરેણાંનું પ્રતિનિધિત્વ ન ધરાવતાં શેરડીનું પ્રતિનિધિત્વ ધરાવતી થઈ જાય. જે પણ ચૂસવા માગે એ ચૂસતા રહે અને પછી એને ફેંકી દે ! આ પાપ તું પંખીજગત માટે ખોલી બેઠી ?' ગરુડરાજના આ આક્રોશને જોઈને કાગડીએ બ્યુટી પાર્લર પર કાયમનાં તાળાં લગાવી દીધા !