________________
આંતરશત્રુઓ પર વિજય મેળવવામાં સફળ બને છે કે જે આંતરશત્રુઓએ અનંત અનંતકાળથી આત્માને નરકનિગોદાદિ દુર્ગતિઓમાં ધકેલવાનું કામ કર્યું છે, આત્માને પાપી પણ એમણે જ બનાવ્યો છે તો દુ:ખી પણ એમણે જ બનાવ્યો છે. આત્માને દુર્બુદ્ધિનો શિકાર પણ એમણે જ બનાવ્યો છે તો મુક્તિથી દૂર રાખવાનું કામ પણ એમણે જ કર્યું છે.
- ટૂંકમાં, દુનિયાના બધા જ બાહ્ય શત્રુઓ જો ઘાસના તણખલાના સ્થાને છે તો આંતરશત્રુઓ એટમબૉમ્બના સ્થાને છે. ઘાસના તણખલાને તો તમે ફૂંક લગાવીને ઉડાડી શકો પણ એટમબૉમ્બને નકામો બનાવી દેતા તો તમને નવનેજાં પાણી ઊતરી જાય!
સાગર, આવા એટમબૉમ્બ સ્વરૂપ આંતરશત્રુઓને ખતમ કરી નાખવાની તાકાત જે પાપભયમાં છે એ પાપભયને અનંતજ્ઞાનીઓ જો સાચી મર્દાનગી કહેતા હોય તો એમાં આશ્ચર્ય શું છે?
એટલું જ કહીશ તને કે મર્દ બનવાના ખ્વાબમાં જો તું રાચતો હોય તો પાપભીરુ બની જા. તારી આ મર્દાનગી તારા ગળામાં મુક્તિની વરમાળા પહેરાવીને જ રહેશે.