________________
૪૩
જૂઠ' એ પાપ, દોષ કે ભૂલ હોવા છતાં ય “સત્ય” કરતાં વધુ પ્રભાવશાળી પુરવાર થઈ રહ્યાનું જે અનુભવાય છે એની પાછળ કારણ શું છે? શું આજના કાળે જ આવું બની રહ્યું છે કે પછી સર્વકાળે આમ જ બનતું હોય છે?
નરેન્દ્ર, તે દીવડાને તો જોયો જ હશે. એની સાથે તું જે પણ વ્યવહાર કરવા માગે છે એ કરી શકે ને? તું એને બુઝવી પણ શકે, તું એને તારી ઇચ્છિત જગાએ લઈ જઈ પણ શકે, તું એમાં ઘી પૂરતો રહીને એની જ્યોતને અખંડ પણ રાખી શકે, તું એની જ્યોતને નાની-મોટી પણ કરી શકે પણ સૂરજ સાથે તું આમાંનું કશું ય કરી શકે ખરો? ના. સૂરજ જેવો હોય એવો જ રહે. એને જ્યાં રહેવું હોય ત્યાં જ રહે. એને જેટલો પ્રકાશ આપવો હોય એટલો જ આપે.
ટૂંકમાં, દીપક તને આધીન બની શકે પણ સૂરજને આધીન તો તારે જ બનવું પડે. દીપકતારા હસ્તક્ષેપને સ્વીકારી લે પણ સૂરજ તો તારા હસ્તક્ષેપને ઘોળીને પી જાય.
જે પુછાવ્યું છે, એનો આ જ જવાબ છે. જૂઠ દીપક જેવું છે. એની સાથે કુશળતા પેદા કરવી એ અતિ સરળ છે કારણ કે તમે ધારો એ રીતે એને બદલી શકો છો. તમે એને નાનું પણ કરી શકો છો તો મોટું પણ કરી શકો છો. તમે એને સત્યનાં કપડાં પણ પહેરાવી શકો છો તો દંભનાં કપડાં પણ પહેરાવી શકો છો. તમે એને જગત વચ્ચે બદનામ પણ કરી શકો છો તો સન્માનપાત્ર પણ બનાવી શકો છો. તમે એની હત્યા પણ કરી શકો છો તો તમે એને અભયદાન પણ આપી શકો છો.
પણ સબૂર !
૮૫