________________
તારી સ્વરૂપવાન પત્નીને, તારી યુવાન દીકરીને અને તારા યુવાન પુત્રને – આ સલાહ આપતા તને રોકે છે કોણ?
ના. આ બાબતમાં તું બિલકુલ સ્પષ્ટ જ છે. તારી પત્ની ગમે તે પુરુષ સાથે વાત કરે એમાં તું રાજી નથી જ. તારી યુવાન પુત્રી રાતના ઘરે મોડી આવે એ ચલાવી લેવા તું તૈયાર નથી જ. તારો યુવાન પુત્ર લબાડ મિત્રોની સોબતમાં રહે એમાં તું સંમત નથી જ. પ્રભુનાં દર્શન બંધ કરી દઈને તારો પરિવાર થિયેટરોમાં ભટકતો રહે એ તને મંજૂર નથી જ.
જો ધર્મના માર્ગે દુઃખી થવા સિવાય બીજું કાંઈ જ નથી એ તારી માન્યતા હોય તો પછી પરિવારને પાપના માર્ગે ચડી જવાની તારી સલાહ કેમ નહીં? ધર્મનો માર્ગ છોડી દેવાનો તારો આગ્રહ કેમ નહીં?
એટલું જ કહીશ તને કે આ ગલત, ભ્રામક અને આત્મઘાતક માન્યતામાંથી તું વહેલી તકે બહાર નીકળી જ જજે. ધર્મના માર્ગે જ સુખ છે એમ નહીં, ધર્મના માર્ગે સુખ છે જ. પાપના માર્ગે દુઃખ છે જ એમ નહીં, પાપના માર્ગે જ દુ:ખ છે” અનંત તીર્થકર ભગવંતોના આ વચનને તું શ્રદ્ધાનો વિષય બનાવી જ દેજે. જીવન તારું સફળ થઈ જશે. મરણ તારું સુધરી જશે.