________________
ટૂંકમાં, શરીરને “ખાધેપીધે’ સુખી થવામાં જ રસ છે પણ મન? એ તો ઇચ્છાઓ પેદા કરવાનું ન સમજી શકાય તેવું જાલિમ યંત્ર છે. જરૂરિયાતપૂર્તિમાં એ ક્યારેય રાજી થતું નથી. ઇચ્છાપૂર્તિ એ જ એની આકાંક્ષા હોય છે અને કમાલની વાત તો એ છે કે ઇચ્છા અનંત છે. ગમે તેટલા પ્રયાસો એને પૂરી કરવાના તમે કરો, એને પૂર્ણ કરવાના તમારા પ્રયાસો અધૂરા જ રહે.
સંજય, તારે તો “પૈસે-ટકે સુખી થવું છે ને? લખી રાખજે તારા હૃદયની દીવાલ પર કે પૈસા પાછળની દોટ તારો ટકો કરી નાખશે તો ય “સુખ' તો માત્ર તારી આશાનો કે કલ્પનાનો વિષય જ બની રહેશે.
ગણિત સ્પષ્ટ છે. ખાધેપીધે જ સુખી થવું હોય તો એ સુખ અત્યારે ય તારી પાસે છે અને પૈસે-ટકે જ તારે સુખી થવું હોય તો એ સુખ તું લાકડા ભેગો થઈશ ત્યારે ય તારી અનુભૂતિનો વિષય બનવાનું નથી. પસંદગીનો નિર્ણય તારા હાથમાં છે.