________________
મનના ભાવોને છુપાવ્યા વિના આપની પાસે ખુલ્લો એકરાર કરું છું કે મારા માટે યાવતું મારા પરિવાર માટે નકામાં થઈ ગયેલ મારાં માતા-પિતા મને અત્યારે બોજરૂપ લાગી રહ્યા છે ! આપનું કોઈ સૂચન?
ધૈર્ય, વૃક્ષ ફળ આપવાનું બંધ કરે છે ત્યારે ય એનું છાયા આપવાનું તો ચાલુ જ હોય છે એ તારા ખ્યાલમાં જ
હશે.
ગાય દૂધ આપવાનું બંધ કરે છે ત્યારે ય એનું છાણ અને મૂત્ર આપવાનું તો ચાલુ જ હોય છે એ ય તારા ખ્યાલમાં જ હશે.
તું તારાં જીવંત માતા-પિતાને અત્યારે ‘નકામાં' માની બેઠો છે એમ? તારા માટે “નકામાં’ની વ્યાખ્યા શી છે? તું એ અપેક્ષા તો નથી રાખતો ને કે તારા પિતાએ આ ઉંમરે પણ પૈસા કમાવા જ જોઈએ ! તું એ ગણતરીમાં તો નથી રાચતો ને કે તારી માતાએ આ ઉંમરે પણ રસોડું સાચવવું જ જોઈએ ! તું ઇચ્છે છે શું તારા વૃદ્ધાવસ્થાએ પહોંચેલાં માતા-પિતા પાસે ?
આ એ માતા-પિતા છે કે જે તારા જન્મદાતા બનીને જ અટકી નથી ગયા પરંતુ જીવનદાતા પણ બન્યા છે અને સંસ્કારદાતા પણ બન્યા છે. તારા સુખ માટે એમણે પોતાનાં ઢગલાબંધ સુખોનું બલિદાન પણ આપ્યું છે તો તને દુઃખથી દૂર રાખવા, પોતે ઢગલાબંધ દુઃખોને ભોગવી પણ લીધા છે !
આવા ઉપકારી અને સુખકારી મા-બાપ આજે તને નકામાં લાગી રહ્યા છે? એમની ઘરમાં હાજરી તને આંખના કણાની જેમ ખૂંચી રહી છે? ઊંડે ઊંડે તારા મનમાં એમની વિદાય જલદી થઈ જાય એવી હલકટ વૃત્તિ ધબકી રહી છે ?
૩૭