________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
८
હૃદયકમલ મેં ધ્યાન ધરત હું
કોઢિયો પતિ! કોઢિયો વળી કેવો? રસ્તાનો મુસાફ૨! તેને નથી ઘર, નથી કોઈ ઉચ્ચકોટિનો પરિચિત વર્ગ. હા, સાથે હતા ૭૦૦ કોઢિયા! આવી પરિસ્થિતિમાં મયણાએ શ્રી સિદ્ધચક્રનું આરાધન કર્યું હતું ને? આ પરિસ્થિતિ કેવી હતી? આવી દુઃખમય પરિસ્થિતિમાં મયણાએ એકાગ્રતાથી સિદ્ધચક્રનું ધ્યાન ધર્યું હતું.... તે કોઈ ચમત્કાર ન હતો.... પરંતુ એની પૂર્વાવસ્થામાં એણે પ્રાપ્ત કરેલા સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનનો પ્રભાવ હતો.
પિતા રાજા, માતા રાણી. મયણાની માતા જિનમાર્ગને અનુસરનારી હતી. પરમાત્મા જિનેશ્વરદેવ પ્રત્યે દૃઢ શ્રદ્ધા ધરાવનારી હતી. એણે મયણાસુંદરીમાં સુંદર સંસ્કારોનું સિંચન કર્યું અને જૈનધર્મના તત્ત્વોને જાણનારા વિદ્વાન પંડિત પાસે મયણાને ભણાવી. પંડિતે પ૨માત્મા જિનેશ્વરનું તત્ત્વજ્ઞાન સમજાવ્યું. મયણાએ નવતત્ત્વ, કર્મનો સિદ્ધાંત, મોક્ષમાર્ગ.... આત્માનો ક્રમિક વિકાસ, ચૌદ ગુણસ્થાનક.... વગેરેનું શિક્ષણ મેળવ્યું. માત્ર આ તત્ત્વો જાણ્યા એટલું જ નહિ, પણ જીવન સાથે તેને જડી દીધાં. કર્મના પ્રકારો જાણ્યા. શું કરવાથી કર્મ બંધાય છે? ક્યા કર્મથી કેવું પરિણામ આવે છે? આ બધું જ્ઞાન આત્મસાત્ કરી લીધું.
જ્ઞાન જીવનસ્પર્શી હોવું જોઈએ :
‘હું સુખી હતી તે શાથી? હું રાજાને ત્યાં કેમ જન્મી? આ કર્મ ક્યું? મારી આ વર્તમાન સ્થિતિ ક્યા કર્મના ઉદયથી થઈ? હું શા માટે મનુષ્ય બની’
આમ મયણાએ જે જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું તે જીવનસ્પર્શી હતું. તેથી તેનું જીવન સુંદર બન્યું, અત્યંત નિર્મળ બન્યું. માતાએ સિંચેલા સંસ્કાર, સદાચાર, શીલ, શિસ્ત, મર્યાદા વગેરે મયણાના જીવનમાં મૌલિક ગુણ હતા. જ્ઞાન તથા સંસ્કાર મયણાનું સાચું ધન હતું. જ્ઞાન-ધન અત્યારે કામ આવ્યું, જ્યારે રાજાએ કહી દીધું: ‘તું કર્મ કર્મ કરે છે-હું મારા પુણ્ય કર્મથી સુખી. મારા પુણ્ય કર્મથી આ બધું સુખ છે, આપથી નહિ. સુખદુઃખ કર્મને આધીન છે, તો હવે આ કોઢિયો પુરૂષ પણ તારા કર્મથી મળ્યો છે.... એ તારો ભર્તાર છે....’
એ સમયે મયણાએ શું કહ્યું? જાણો છો?
મયણાએ રાજાને કહ્યું : ‘પિતાજી, જીવને પોતપોતાનાં કર્મથી સુખદુઃખ મળે છે.... કોઈ મનુષ્ય કોઈને સુખી કે દુ:ખી બનાવી શકતો નથી....’
રાજાએ કહ્યું : ‘એમ? અમે કાંઈ જ કર્યું નથી? શું અમે તને સુખી કરી નથી?' રાજાનો આ અહં છે! મનુષ્ય કોઈના સુખમાં નિમિત્ત બને છે, તો મનમાં માને છે કે ‘મેં એને સુખી બનાવ્યો.’
For Private And Personal Use Only