________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૦
હૃદયકમલ મેં ધ્યાન ધરત હું પ્રિયવસ્તુનો ત્યાગ કરો :
ગૃહસ્થજીવનની વાત છે. એક વખત અમે કલકત્તા ગયા. સાધુજીવનમાં નહીં, ગૃહસ્થજીવનમાં. અમે બાર છોકરાઓ હતા. યાત્રા માટે નીકળ્યા હતા. કલકત્તામાં ત્યાંના એક સજ્જનને ત્યાં જમવાનું નિમંત્રણ મળ્યું. અમારી સાથે ૧૦-૧૦ વર્ષના નાના બે છોકરા હતા. અમે ભોજન કરવા બેઠા. અમારામાંથી ઘણા સાધુ બનવાની ભાવનાવાળા હતા. બે નાના છોકરા હંમેશાં ભોજન વખતે મારી જમણી અને ડાબી બાજુ બેસતાં. પણ આ દિવસે તેઓ બન્નેએ સિંડીકેટ કરી હતી. બન્ને સાથે બેઠા. બીજી બાજુ પીરસવાનું શરૂ થયું. દૂધપાકની સરસ મીઠી સોડમ આવી. પીરસનાર પહેલાં મારી પાસે આવ્યા. મેં તો દૂધપાક લીધો! પછી નાના બાળકો પાસે ગયા, તો તેમણે ના પાડી! દૂધપાક તેમને ખૂબ પ્રિય! છતાં તેમણે તો ના પાડી. મેં તેમને પૂછ્યું તો તેમણે કહ્યું : “જે વસ્તુ વહાલી હોય તેનો ત્યાગ કરવો,” એવું ગુરૂમહારાજે શીખવેલું છે ને!” હું તો એ બે બાળકોને જોઈ જ રહ્યો! મને થયું : બાળકોનો કેવો અદ્દભુત ત્યાગ! હું ત્યાગ ન કરી શક્યો એનો મને પારાવાર પશ્ચાત્તાપ થયો!
લક્ષ્ય હોય તો આમાંથી કોઈ ને કોઈ તપ કરી શકાય. એક નહીં તો બીજું! કાયક્લેશનું તપ પણ કરી શકાય. કોઈ પરમાર્થ કે પરોપકારનું કામ કરતાં કરતાં, સેવા કરતાં કરતાં કાયાને થકવી નાખવાની! તે કાયક્લેશ તપ કહેવાય. એવી રીતે સંલીનતા, એટલે કાયાને સ્થિર રાખવાની.
આવા છ પ્રકારના બાહ્ય તપની આરાધના કરતાં કરતાં અત્યંતર તપમાં પ્રવેશી શકાય. અત્યંત૨ તપના છ પ્રકાર :
૧. અત્યંતર-આંતરિક તપમાં પ્રથમ પ્રાયશ્ચિત્ત. જે કાંઈ ભૂલ-પાપ જીવનમાં થાય તે ગુરૂમહારાજ પાસે નિવેદિત કરે અને ગુરૂમહારાજ તે પાપોનું જે પ્રાયશ્ચિત્ત આપે, તે પ્રાયશ્ચિત્ત કરવાનું. તેમાં તપ, સ્વાધ્યાય, નવકારવાળી.... જે કાંઈ કરવાનું આવે તે કરવાનું.
હૃદયની નિર્મળતા-અભ્યતર તપમાં સર્વ પ્રથમ આવશ્યક છે. જ્યાં સુધી પાપ છુપાવશો, ત્યાં સુધી આત્માની નિર્મળતા પ્રાપ્ત થશે નહીં. પછી પ્રસન્નતા, નિર્ભયતા, અને નિશ્ચિતતા ક્યાંથી આવવાનાં? હૃદય અશાંતિનો અનુભવ કરશે... માટે સૌથી પહેલાં કચરો કાઢો... હૃદય સ્વચ્છ-નિર્મલ બનાવો.
૨. વિનય: ગુરુમહારાજ પાસે વિનયપૂર્વક જવું, વિનયથી, નમ્રતાથી વાત
For Private And Personal Use Only