________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રીત કિયે દુઃખ હોય
૨૭૧
ઉપસ્થિત થઈ... નંદીશ્વરદ્વીપ અને મહામુનિ મણિશંખ ઉપસ્થિત થયા... તે રોમાંચિત થઈ ગઈ.
‘જો અમે ચારિત્ર લઈશું... સાધુધર્મ અંગીકાર કરીશું તો રત્નજીને અને ચારે રાણીઓને હું અહીં આવવા નિમંત્રણ મોક્લીશ... એમના ઉપકારોને હું કેમ ભૂલી શકું? કેવો એ ઉત્તમ પરિવાર છે! ગુણોથી સમૃદ્ધ! નિઃસ્વાર્થ પ્રેમથી છલોછલ ભરેલો! મારા એ ધર્મભ્રાતાને સંદેશો પહોંચાડનાર કોઈ મળી જાય તો... અત્યારે જ સુખશાંતિના સમાચાર મોકલું... પણ એ વિદ્યાધરોની દુનિયામાં જનાર કોણ મળે...?
સુરસુંદરીને ગુણમંજરીના વિચારો આવ્યા. રાજા ગુણપાલના શબ્દો યાદ આવ્યા... ‘બેટી, ગુણમંજરી તારા ખોળે છે...' ને સુરસુંદરી વિહ્વળ બની ગઈ. ‘જો ગુણમંજરી પ્રસન્નચિત્તે ચારિત્રની અનુમતિ ન આપે તો? એની અવગણના કરીને તો મારાથી એનો ત્યાગ ન કરાય... અને એનો મારા પર અગાધ સ્નેહ છે... એ મને અનુમતિ ન જ આપે... હા, જો એ સંતાનના બંધનમાં બંધાણી ન હોત તો તો અમારી સાથે એ પણ ત્યાગના માર્ગે આવવા તૈયાર થઈ જાત... પરંતુ એ અલ્પ સમયમાં જ માતા બનશે...'
સુરસુંદરી ગૂંચવાઈ ગઈ. જાણે કે ચારિત્ર લેવાનું જ છે એવા ભાવપ્રવાહમાં તે વહી રહી હતી... સંસારનાં અપાર સુખોની વચ્ચે રહેલી સુંદરીનું મન સંયમનાં કષ્ટોને વધાવવા અધીરું બની ગયું હતું.
વિચારોથી મુક્ત થવા તેણે શ્રી નવકારમંત્રનું સ્મરણ કરવા માંડ્યું. સ્મરણ કરતાં કરતાં તે નિદ્રાધીન થઈ ગઈ.
હૃદયમાં વૈરાગ્યના રત્ન-દ્વીપને જલતો રાખીને સુરસુંદરી સંસારનાં સુખોને ભોગવે છે. પાંચેય ઇન્દ્રિયોનાં વૈષયિક સુખોને ભોગવે છે. અમરકુમારનાં હૃદયમાં પણ વૈરાગ્યનો દીવો સળગતો છે... એ દીવો બુઝાતો નથી... સંસારનાં કર્તવ્યોનું પાલન કર્યે જાય છે. જિનશાસનની પ્રભાવનાનાં અનેક કાર્યો કર્યો જાય છે.
મહિનાઓ વીતે છે.
એક દિવસ બેનાતટનગરેથી રાજદૂત આવ્યો અને શુભ સંદેશ આપ્યો: ‘ગુણમંજરીએ પુત્રરત્નને જન્મ આપ્યો છે. માતા અને પુત્ર સ્વસ્થ છે, નીરોગી છે.’
For Private And Personal Use Only