________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રીત કિયે દુ:ખ હોય
૧૧૩
‘મારાં કેવાં દુર્ભાગ્ય? મારાં કેવાં પાપકર્મો ઉદયમાં આવ્યાં? જેનાથી બચવા... ને જેને બચાવવા હું દરિયામાં કૂદી પડી... તે સ્થળમાં હું આવી ફસાણી... અહીં હું મારા શીલને કેવી રીતે બચાવીશ? આ વેશ્યાએ મને ખરીદી લીધી છે. સવા લાખ રૂપિયા જેવી મોટી રકમ આપીને ખરીદી લીધી છે.. એ મને નહીં છોડે.. હું ગમે તેટલી આજીજી કરું તો પણ મને નહીં જવા દે.’
પણ.. એણે મને કેમ ખરીદી? હું રૂપવતી છું માટે ને? મારું રૂપ જ મારું શત્રુ બન્યું છે.. પેલા ધનંજય અને આ ફાનહાન કેમ મારા ૫૨ મોહિત થયા? મારા રૂપના પાપે
મારા રૂપને હું ખૂબ ચાહતી હતી... મારું રૂપ જોઈને હું મારા પુણ્યનો ઉદય માનતી હતી.. અમર મારા રૂપની પ્રશંસા કરતો હતો ત્યારે હું ફુલાઈ જતી હતી.. એ રૂપ જ મારાં દુઃખોનું કારણ બન્યું છે.. શું કરું? સળગાવી દઉં આ રૂપને?
હા, સળગાવી દઉં મારા મુખને.. હું કુરૂપ થઈ જાઉં... મારા વાળ બળી જશે.. મારું મુખ બળી જશે, પછી મારા પર કોઈ મોહિત નહીં થાય... આ વેશ્યા પણ મને કાઢી મૂકશે...
પરંતુ... અચાનક અમર આવી મળે તો? અરેરે... અમર! તેં આ શું કર્યું? તારા વિશ્વાસે.. તારા જ ખોળામાં સૂતેલી તારી પ્રિયાને તેં કેમ ત્યજી દીધી? શું તું બીજી કોઈ શિક્ષા ન કરી શક્યો હોત? અરે, તેં મારા પ્રાણ લઈ લીધા હોત તો પણ હું તને ના રોકત, પરંતુ મારું શીલ તો અખંડ રહેત ને?
‘તું મળીશ’ એ આશાએ શું મારે જીવવાનું? શીલ ખોઈને તો જીવવાનું મારા માટે અશક્ય છે.. જીવીને શીલ બચાવવું પણ હવે અશક્ય લાગે છે.. નહીંતર મારા પાપકર્મ મને વેશ્યાગૃહમાં લાવીને કેમ મૂકે?
મારા અમર, હવે કદાચ હું તને નહીં મળું આ ભવમાં. ત્રણ દિવસનો સમય છે મારી પાસે.. જો મારો મહામંત્ર મને ત્રણ દિવસમાં મારી શીલ રક્ષા માટે કોઈ બીજો માર્ગ સુઝાડશે. તો તો હું આપઘાતનો માર્ગ નહીં લઉં... નહીંતર...
અરે, આજે મેં હજુ સુધી નવકારમંત્રનો જાપ કર્યો નથી..? બસ, હવે અહીં મારે બીજું કોઈ કામ નથી. ત્રણ દિવસમાં થાય એટલો જાપ કરી લઉં...
સુરસુંદરીએ પદ્માસને બેસીને મહામંત્રનો જાપ શરૂ કર્યો. ધીરે ધીરે જાપમાંથી તે ધ્યાનમાં લીન બની ગઈ. પંચપરમેષ્ઠિના ધ્યાનમાં એ સહજતાથી લીન થઈ શકતી હતી.
For Private And Personal Use Only