________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુરસુંદરીએ પ્રથમ ઉપવનમાં પોતાનો અલ્પકાલીન મુકામ કરી લીધો. યક્ષરાજે એક નાનકડી પર્ણકુટિર બનાવી દીધી હતી. સુરસુંદરી પોતાનો વિશેષ સમય નવકારમંત્રના જાપમાં અને અરિહંત પરમાત્માના ધ્યાનમાં વ્યતીત કરતી હતી.
પ્રભાતે નિત્યક્રમથી પરવારીને સમુદ્રકિનારે જતી હતી અને દૂર દૂર... સમુદ્રની સપાટી પર નજર નાંખતી હતી. એ એવા કોઈ યાત્રિક વહાણની પ્રતીક્ષા કરતી હતી કે જે વહાણ બેનાતટનગર તરફ જતું હોય. એકાદ પ્રહર સમુદ્રકિનારે પસાર કરી એ પુનઃ ઉપવનમાં આવતી હતી અને ચારે ઉપવનોમાં પરિભ્રમણ કરતી. બીજો પ્રહર પૂરો થયા પછી એ ફલાહાર કરતી હતી. ત્રીજા પ્રહરમાં ઉપવનમાં પહોંચી જતી અને જલસરોવરમાં મૃગલાં પ્રગટ કરીને એમની સાથે રમતી હતી. ચોથા પ્રહરમાં પુનઃ એ પહેલા ઉપવનમાં આવીને, પોતાની પર્ણકટિરમાં બેસીને શ્રી નમસ્કાર મહામંત્રનો જાપ કરતી. સૂર્યાસ્ત પૂર્વે ફલાહાર કરીને એ પુનઃ સમુદ્રતટ પર પહોંચી જતી.
એને કોઈ ભય ન હતો. યક્ષરાજની એના પર કૃપાદૃષ્ટિ હતી. એના હૈયે શીલધર્મ હતો અને એના હોઠે શ્રી નવકાર મંત્ર હતો.
એક જ ઇચ્છા હતી; બેનાતટનગરે પહોંચીને અમરકમારને મળવું! એના મનને પ્રતીતિ તો થઈ જ ગઈ હતી કે “મારો શીલધર્મ મારી રક્ષા કરશે જ. માર નમસ્કાર મહામંત્ર મારા શીલધર્મને આંચ નહીં આવવા દે!'
યક્ષદ્વીપ પર એક સપ્તાહ વીતી ગયું.
આઠમો દિવસ હતો. નિત્યક્રમ મુજબ સુરસુંદરી પ્રભાતે સમુદ્રતટ પર પહોંચી. વાતાવરણ આસ્લાદક હતું. સમુદ્ર શાંત હતો. સુરસુંદરી સ્વસ્થ ભૂમિ પર બેસી ગઈ અને પરમાત્માના ધ્યાનમાં પોતાના મનને જોડી દીધું.
ત્યાં દૂર દૂર દરિયામાંથી જાણે મનુષ્યોનો અવાજ આવવા લાગ્યો. સુરસુંદરીએ પોતાનું ધ્યાન પૂર્ણ કર્યું અને ઊભી થઈ ગઈ.
For Private And Personal Use Only