________________
યાદની યાત્રા
સવાર અને બપોર, સાંજ પર છવાયેલા રહે તેમ વીતેલા સમયની યાદ મન પર પથરાયેલી રહે છે. પુસ્તકનાં પાનાની જેમ ક્રમસર ઉઘડતી આવે એવી યાદ આપણાં નસીબમાં નથી. કોઈ પણ વાત, ગમે ત્યારે યાદ આવી જાય છે. યાદ આવે છે તે બધું વ્યવસ્થા વિના યાદ આવે છે. યાદ એકાદ – બે નથી. ઢગલાબંધ અને અપરંપાર છે. યાદની થાળીમાં બધું જ પીરસાયા કરે છે..
ગઈકાલની, ગયા વરસની અને ગઈ ગુજરીની યાદ આપણા જખમ પર મીઠું ભભરાવતી રહે તો સમજવું કે યાદ યાતના બની છે. એમણે ભૂલ બતાવી હતી તે ગમ્યું જરાય નહીં અને બરોબર યાદ રહ્યું. તેમણે કરેલી પ્રશંસાઓ તો એ વખતે ભૂલી જ ગયા. એમણે ના પાડી તે કસીને યાદ રાખ્યું છે. અને એમણે વારંવાર સહમતિ દાખવી હતી તે તો જાણે ગયા જનમની વાત થઈ.
આટાપાટા ખેલનારાઓ યાદને ગલત રીતે કામે લગાડે છે. યાદ વસૂલાતનું સાધન નથી. યાદ તો આગળ વધવાનું આલંબન છે. યાદમાં દાઝતા રહેવાની નઠારી આદતના આપણે ગુલામ બની ગયા છીએ. જે રસ્તે કાંટો વાગ્યો હતો તે રસ્તાને યાદ કરતા રહેવાથી, એ કાંટાનો રુઝાયેલો ઘા વધુ સારી રીતે મટવાનો નથી. કાંટો વાગ્યો, નીકળી ગયો, ઘા રુઝાઈ ગયો. વાત ખતમ.
ડગલે ને પગલે યાદનો દુરુપયોગ બેહિસાબ થાય છે. એમને એમના જ શબ્દોમાં ફસાવવા છે આવી દાનત હોય કે એમના અક્ષરો એમના જ ગળે પહેરાવવાની કૂરતા હોય આ યાદની તાકાતનો ગેરવહીવટ છે. જે યાદથી મનમાં ખુન્નસ ભરાય, આંખોમાં આગ કે ઇર્ષા ઉભરાય તે યાદ સાવ જ નકામી. યાદ છે દિલોદિમાગ પર કબજો લઈને ભીતરમાં હજારો ઉથલપાથલ મચાવતી હોય તો મનનું આરોગ્ય બગડવું એ સમજી લેવાનું.
જે યાદ મનને શાંતિથી અને આનંદથી ભરી દે તે જ કામની. યાદ દ્વારા કશુંક માણવાનું હોય છે. યાદનો વિવેક નથી તેથી તેની ખરી મજા ચૂકી જવાય છે. યાદ કરીને બળવાનું નથી, ૨ડવાનું નથી. યાદ કરીને અપને આપ સાજા થવાનું છે. મનોવિજ્ઞાનની સારવાર એ ખોટી યાદોમાંથી બહાર લાવવાની વિવિધ પ્રક્રિયા છે.
યાદની મજા એ છે કે બદલાઈ શકવાનું નથી તે જ મનમાં ઉઠે છે. યાદ તો મનનો ખેલ છે. ખેલને જીવનમરણનો સવાલ બનાવે તે બુદ્ધિશાળી કેમ મનાય ? દગાબાજને યાદ કરવાથી - ઘર નવું નથી વસવાનું. ગાળો યાદ રાખવાથી સમાધિ નથી સાંપડવાની. થઈ ચૂકેલા અન્યાય અને અત્યાચારને યાદ કરતાં રહેવાથી હાલત સુધરી જવાની નથી. આ બધું કરવાથી એ લોકોને સજા પણ નથી થઈ શકવાની. સજા થશે તો ખુદ ખાપણને થશે. આપણી પ્રસન્નતા અને નિરાંત ખતમ થઈ જશે.
સુખી થવાનું મહત્વનું સૂત્ર એ છે કે – યાદની યાતના ન ભોગવો. યાદની યાત્રા કરો. આપણું મન દુનિયાભરની યાદનું સંગ્રહાલય નથી. તેમાં કાછાંટ કરતા રહેવાનું છે. શોભા બગાડે ને જગ્યા રોકે તેવી યાદને વહેલી તકે વિદાય આપતા શીખવાનું છે.
બીજાએ મારું બગાડ્યું છે તે યાદ રાખવાથી મને પણ બીજાનું બગાડવાનું મન થાય છે. યાદ યાતના બની જાય છે. મારી હાલત હજી પણ સારી જ છે, તે યાદ રાખવાની જાતને સંભાળી લેવાનું મન થાય છે, યાદ યાત્રા બને છે. આટલા બધાં કામ કરવાના બાકી છે તે યાદ કરવાથી તનાવ આવે છે. કામ પૂરું કરવા ગમે તે રીતનો આશરો લેવાય છે. યાદ યાતના બને છે. કામ જરૂર પૂરાં થશે - આજ સુધી ઘણાં કામો પૂરા કર્યા છે તે યાદ કરવાથી વ્યગ્રતા ચાલી જાય છે. યાદ યાત્રા બને છે.
| વિચારણાની જરૂર પડવાની છે. બેધારી તલવાર જેવું કામ છે યાદનું. વાપરતા ન આવડે તો આપણને લોહીલુહાણ કરી દે. આજ સુધી શાયદ, આ જ થયું. છે. જાતે ને જાતે યાદ કરી કરીને સળગ્યા છીએ. હવે અગનજાળ ઠારવાની છે.
મનનો ઉત્સાહ તોડે તેવી કોઈ યાદને વજન નથી આપવું. સારા અને ઉત્તમ પ્રસંગો યાદ કરવા છે. જૂના ચોપડા ઉખેળવાનું છોડવું છે. ઘસાઈ ચૂકેલી જૂનીપુરાણી ફરિયાદોને દફનાવી દેવી છે. આપણી પ્રસન્નતાને આંચ આવે એવા કોઈ જ મુદાને યાદમાં રહેવા દેવો નથી. જો કે, એમ ઊંડા ઘા ભૂંસાવાના નથી. એ ખળભળતી જૂની યાદ મન પર હુમલો કરે ત્યારે એમાં વહી જવાની ટેવ જે પડી છે તે તો જરૂર સુધરી શકે. આજ સુધી આ અર્થહીન યાદોથી સમય અને મગજ ખૂબ બગાડ્યા છે. સમય અને મગજનો શ્રેષ્ઠ ઉપયોગ કરવાની ઘણી તક આવી હતી તે આ યાદના ચક્કરમાં ઝૂંટવાઈ ગઈ છે. નબળી અને નગુણી યાદોથી બચવા માટે થોડો અહં પણ ઘટાડવો છે, થોડી અપેક્ષા પણ કમ કરવી છે. યાદની યાત્રાનો આનંદ જીવનના અંગેઅંગને સુવાસિત કરી શકે છે તે નક્કી છે. થોડો સુધારો મનોમન લાવીએ. મજા આવી જશે.
- - ૧૯
૨૦ છે