________________
છો. તમારે તમારી ઇર્ષાનો ઈલાજ કરી લેવો જોઈએ. અશાંતિથી બચવું હોય તો ઇર્ષાની સફાઈ થાય એ ખૂબ જરૂરી છે.
બીજો માણસ આગળ વધી જાય છે કે ઉપર આવે છે તેનાથી તમને શું નુકશાની છે ? તમારી શક્તિ તો લૂંટાતી નથી. તમારા પૈસા પણ ચોરાતા નથી. તકલીફ શું છે ? તમે બીજાને આગળ વધતા રોકી શકવાના નથી. બીજા આગળ વધે અને એ તમારા પરિચિત હોય તો એ ખુશ થવાની ઘટના છે. બીજાની પ્રગતિ પર ખુશ થવું એ જાતનેય પ્રોત્સાહન આપવા જેવી વાત છે. ઇર્ષા કરીને આપણે આપણી પ્રસન્નતાને રોકી
પાડીએ છીએ. બીજાની પ્રગતિથી નારાજ થવું, પોતાની પ્રગતિથી અસંતુષ્ટ થવું આ બે નિશાની છે, ઇર્ષાની. બન્ને એકબીજાને ટેકો આપે છે.
ઇર્ષાથી બચવા સંતોષનો સહારો લેવો પડશે. આજે તમારા નસીબે તમને જે આપ્યું છે તે જરાય ઓછું નથી. તમારી મહેનત કરતાં તમને વધારે ફળ મળ્યું છે. તમારી લાયકાતથી વધુ લાભ તમે પામ્યા છો, બીજાને એનાં નસીબનું મળી જાય છે. તેનાથી તમારા નસીબને જરાય ધક્કો લાગતો નથી. તમે એના જેટલું મેળવીને વધારે સુખી થઈ શકવાના નથી. સફળતાનો બોજો વધશે એટલું જ. બાકી, જિંદગીની ખુશમિજાજી તો આજે છે તેટલી જ ત્યાં રહેવાની છે, ફરક નથી પડવાનો. માટે એના સુખી થવાને લીધે તમારે દુઃખી થવાની જરૂર નથી.
આજે તમને જે શક્તિ મળી છે તેનો પૂરેપૂરો ઉપયોગ નથી કરી શકાતો. તો નવી શક્તિ મેળવીને કરવું છે શું ? તમારી પાસે લાખો રૂપિયા જમા છે. એમાંથી છે ઘણા તો વપરાયા જ નથી. તો નથી વપરાયા તે પૈસાને ભૂલીને, નથી મળ્યા તે પારકા પૈસાની ફિકર શું કામ કરો છો ભાઈ ?
અચ્છા, કબૂલ. તમારી પાસે પૈસા કે શક્તિ વધારે છે જ નહીં. એટલે બીજાનું જોઈને ઇર્ષા થઈ જાય છે. પણ તમારી પાસે પૈસા કે શક્તિ આવી જશે પછી પણ તમે બીજાનું જોઈને ઇર્ષા કરવાના જ છો. આજે હજારોની યાદમાં ઇર્ષા કરો છો. કાલે કરોડોના મુકાબલે ઇર્ષા થશે. યાદ રાખી લો, પૈસા કે શક્તિ ન હોવાનું દુ:ખ અલગ છે અને બીજાને પૈસા કે શક્તિ મળે છે તે સહન ન થતું હોવાનું દુઃખ અલગ છે. બીજાની પ્રગતિને સહન કરવાની માનસિકતા નહીં હોય તો ઘરમાં, દુકાનમાં અને બજારમાં તમારે દાઝતા જ રહેવું પડશે. ગરીબી વેઠવી સરળ છે. ઇર્ષા વેઠવી આકરું કામ છે. ગરીબીનો ઇલાજ નથી, ઇર્ષાનો ઈલાજ છે. મનને મનાવતા શીખો. એક વાત મહત્વની છે : બીજાની પ્રગતિથી મને કોઈ નુકશાન નથી.
નુકશાની ન કરતા હોય તેવા લોકો માટે ઊંધા વિચાર કરવા તે સજ્જનતા પણ નથી અને બુદ્ધિમત્તા પણ નથી. ઇર્ષા કરનાર બીજાની પ્રગતિ જોઈને નારાજ થાય
* ૧૭
છે તેમ બીજાને નુકશાની થતી જોઈને રાજી પણ થાય છે. બીજાના ગુણની ઇર્ષા કરનારો, બીજાની ભૂલ જોઈને ગર્વ અનુભવે છે. બીજાની પ્રસિદ્ધિથી નિરાશ થનારો, બીજાની બદનામી સાંભળીને રાજીપો અનુભવે છે. ઇર્ષાની આ વિધાતક અસર છે. ઇર્ષાનું કેન્દ્ર તમારો અહં છે. અહંની માયાજાળ અપરંપાર છે. ઇર્ષા તો એનો એક ભડકો છે. અહં સાથે સમાધાન કરવું જોઈએ. નહીં તો ઇર્ષા તમને દુષ્ટ અને દુર્જન બનાવી શકે છે.
થોડા વરસની જિંદગી મળી છે. જિંદગીને ફૂલોથી સજાવવાની છે. ફૂલોને ખીલવવા છોડની માવજત કરવી પડે છે. છોડને સલામત રાખવો પડે છે. જિંદગી જો મનમાં જીવાય છે તો સારા ગુણોનાં ફૂલો મનના છોડ પર લાગવા જોઈએ. એ માટે મનની માવજત કરવી જોઈએ. મનને નબળા અને અવળા વિચારોથી બચાવી રાખવું જોઈએ. ઇર્ષા એ ભયાનક વિચાર છે. ઇર્ષા આત્મઘાતી છે. એ પરઘાતી બને તેવી સંભાવના છે. છતે પૈસે બેકારીનો અનુભવ ઇર્ષા કરાવે છે. છતી શક્તિએ લાચારીનો અનુભવ ઇર્ષા કરાવે છે. શું કામ ? બીજાનું સારું ખમાતું નથી. બીજાનું શ્રેષ્ઠ થાય તે ગમતું નથી.
મને મળવું જોઈએ તે એને મળે છે, એને મળે છે તે મને નથી મળતું, આ બે ફરિયાદની કરવત આપણી પ્રસન્નતાને ધીરે ધીરે ખતમ કરી નાંખે છે. બિલકુલ સાવધાન બનીને મનને બીજી દિશામાં વાળી દો.
ઇર્ષા કરનાર પોતાની ભૂલ સાંભળી કે સમજી નથી શકતો. એ પોતાની ખામી કબૂલી નથી શકતો. એ પોતાની નબળાઈનો દોષ બીજાને દે છે. એ પોતાની નિષ્ફળતાનું કારણ બીજાનાં નામે ચડાવી દે છે. ઇર્ષા કરનારો વાસ્તવિકતા સાથે સાચો સંબંધ નથી રાખી શકતો. એ પોતાના સદ્વિચારને ઇર્ષાની આગમાં હોમી દે છે. ઇર્ષાનાં ચક્કરમાં એ પોતાની કાબેલિયતને સમજી જ નથી શકતો. ઇર્ષાનું ભૂત એને પાગલ બનાવી દે છે. એના વિવેકને, એની સમજદારીને ઇર્ષા તોડી ફોડી નાંખે છે.
સબૂર. તમારી આવી હાલત ન થવી જોઈ. તમે ઇર્ષા કરો છો તે દેખીતી રીતે જ સાચી વાત છે. તમારી ઇર્ષા હોનહાર રોગ બનીને તમારી ચેતનાને ઠોકર મારી દે તે પૂર્વે જાગી જાઓ. હજી તમારી પાસે તક છે. લાગણીને સંયમમાં લો. સારા માણસોની સલાહ લઈને વિચારો સુધારો. ભગવાન પાસે ઇર્ષાથી બચાવવાની પ્રાર્થના કરો. ઇર્ષાનું નામ અઢાર પાપસ્થાનકમાં નથી, પરંતુ ઇર્ષાની અસર અઢારે પાપોની તાકાત વધારે જ છે.
ઇર્ષાનો ઈલાજ જેટલો જલદી થશે, તેટલી આપણી સમાધિ સલામત રહેશે.
૧૮ *