________________
મનની માવજત
તમારે તમારામાં પરિવર્તન આવતું જોવું છે, તમે તે માટે તમારી જાતને ઠપકો પણ આપો છો. તમે સ્વસ્થ માણસ છો તેની આ નિશાની છે, પરિવર્તન અને ઠપકો. આ બે મુદ્દા પર વિચારણા કરવી પડશે. ઘણાએ પૂછવું છે, પૂછાવ્યું છે. આ બંને કરવા શી રીતે ? તમારે આ માટે આખો કાર્યક્રમ ઘડવો પડે. તમે સ્વસ્થ બનવા માંગો છો તેટલા માત્રથી કામ થવાનું નથી. તમારે સ્વસ્થ બનવાનો સંકલ્પ મજબૂત રીતે કરવાનો રહે. તે માટે તમારે તમારી જાતને સમજાવવી પડે.
૧. મારા મનની સ્વસ્થતાથી મને ખૂબ લાભ છે. ૨. મારું મન સ્વસ્થ થાય તે માટે હું પૂરીપૂરી પ્રામાણિકતા જાળવીશ. ૩. મારી સ્વસ્થતાનો લાભ મારા બધા જ પરિચિતો સુધી પહોંચવાનો છે.
આ રીતે મનને હિંમત બંધાવી દીધી હોય, કબૂલાત જ આપી દીધી હોય તે પછી વાત આગળ વધે છે.
પોતાને ઠપકો આપવાનો છે તે એટલા માટે કે ભૂલ પોતે કરી છે. પોતે કરેલી ભૂલના બહાનાઓ ગમે તે હોય, તેનાથી કાંઈ ભૂલ, ભૂલ મટી જતી નથી. ભૂલ કરીને બાના શોધે તે સુધરીન શકે, નિખાલસતાથી ભૂલનો એકરાર કરવાનો હોય. તેનો હિસાબ પ્રેમથી જાત પાસે માંગવાનો. આ માટેના મુદા આ મુજબ છે.
૧. મે ભૂલ કરી તે જાણી જોઈને કરી છે. એ ભૂલ ન કરી હોત તો ચાલી જાત. મે ભૂલ કરીને ખોટી આદત ઊભી કરી છે. મારો આ ગુનો છે.
૨. મારી ભૂલની જેમ મારી સારી વિશેષતા પણ છે. ભૂલને લીધે હું આખેઆખો ખરાબ થઈ ગયો નથી. મારી ભૂલને લીધે મારે આગળ જતાં અનેક આપત્તિ અને અયોગ્ય હરકતો સુધી ધકેલાવું પડશે. આજે મારામાં જે સારી વિશેષતા છે તે મારી આ ભૂલને લઈને ધીમે ધીમે ભૂંસાવા માંડશે. મારી વિશેષતા પર મારી ભૂલ સવાર થઈ જાય તે કરતાં મારી ભૂલ પર મારી વિશેષતા સવાર થઈ જાય તે બહેતર છે. ભૂલનાં આવરણથી વિશેષતા ઢંકાય તે ખોટું. વિશેષતાના પ્રભાવથી ભૂલ ભૂંસાય તે વ્યાજબી.
૩. આ ભૂલ હજી કેટલી વાર થતી રહેવાની છે ? તે સ્વયં પૂછો. આ ભૂલ કેટલામી વાર થઈ તેનો ઇતિહાસ તપાસો. વારંવારની ભૂલ અપરાધ બની જાય છે, એવો અપરાધ જેની માફી ન મળે. મારી આ ભૂલની સજા કેટલી મોટી હશે તે મને ખ્યાલ નથી. પણ મને એ તો ખ્યાલમાં છે જ કે એ સજા ભોગવવાની તાકાત મારી નથી.
૪. બીજા ન જાણે, બીજ ન બતાવે ત્યાર સુધી ભૂલ, ભૂલ ન ગણાય તેવું ન
માનો. બીજી બતાવે તે પહેલા જ ભૂલ સુધારવાની આદત પાડો. બીજા બતાવશે તે પછી તમે સુધરશો તો કદાચ, દંભ હશે. જાણી જોઈને સુધરે તે જ કામનો.
આ હિસાબ લેવાની વાત થઈ. પરંતુ પરિવર્તન કરવું હોય તો વ્યવસ્થિત આયોજન કરવું પડે. તમારે બદલાવું છે તેનો અર્થ એ છે કે તમે બદલાવા માટે મહેનત કરવા માંગો છો. તમારી આ મહેનત માનસિક વધુ હશે. પરિવર્તન માટે જે મનોમન મચી પડે છે તેનાં જીવનમાં ફરક, તરી આવે તે રીતે જોવા મળે છે.
તે માટેનું આયોજન આ પ્રમાણે કરવાનું રહે,
૧. મારાં જૂના વરસોની સરખામણીમાં આગમી વરસો વધુ સારા હોય તે મારે જોવું જ જોઈએ. ગઈ ગુજરી ભૂલવાની ન હોય, તેમાંથી પાઠ શીખીને આપણે આગળ વધવાનું હોય. ગઈ કાલ સુધી ભલે મારી જિંદગી એકધારી હતી. હવે મારી જિંદગી ઉપરની, ઊંચાઈની દિશા તરફ વહેશે. મારા માટે આ ઉત્તમ સદ્ભાગ્ય છે.
૨. મારી ભૂલો મારો પીછો છોડતી નથી. આદત થઈ ગઈ છે. આમ છતાં મારે આ ભૂલો ભૂંસવી છે. ભૂલો મારા હાથે થાય છે. મારે મારા હાથે જ ભૂલોની સજા મેળવવી છે. ભૂલો મેં કરી. ભૂલોની સજા હું કરીશ. ભૂલ મારી હતી, ભૂલની સજા મને જ થશે, મારા જ હાથે થશે. (કોઈ વસ્તુનો ત્યાગ અથવા કોઈ મોટા ગજાનું સારું કામ, સજાના રૂપમાં આવે તો ચાલે.)
૩. કેટલીક ભૂલો હું પહેલાં કરતો હતો. આજે એ ભૂલો હું કરતો નથી. આ જોવાથી મારો આત્મવિશ્વાસ દૃઢ થયો છે. હું જૂની ભૂલોમાંથી આજે બહાર આવી ચૂક્યો છું. તો હવે આજની ભૂલોમાંથી આવતીકાલ સુધીમાં બહાર આવી જ જઈશ. એ આવતીકાલને વધારેમાં વધારે નજીક લાવવાની મહેનત મારે જ કરવાની રહેશે.
૪. બીજા ઘણા સજજનો છે. મારા હાથે જે ભૂલ થઈ રહી છે, તે ભૂલ કર્યા વગર તેઓ જીવનની યાત્રામાં ઘણા આગળ ચાલી રહ્યા છે. ભૂલનો જે બોજો મારા માથે છે તે એમનાં માથે નથી. તેઓ સુખી છે, પ્રસન્ન છે. મારે એ પ્રસન્નતા મેળવવાની છે. મારી ભૂલોમાંથી બહાર નીકળીશ એ જ ઘડીએ એ આનંદ મને પણ મળશે.
૫. મારા ભગવાન કરુણાનિધાન છે. તેમની સમક્ષ તમામ ભૂલોની કબૂલાત કરીને મારે આંસુ સારવા છે. મારી ભૂલોનો પસ્તાવો મારે મારા ભગવાન, મારા ગુરુદેવ સમક્ષ વ્યક્ત કરવો છે. ભૂલોથી બચાય તે મારું સપનું છે. એ દૂરદૂર લાગે છે. મારા દેવગુરુની અપરંપાર કરુણા મળે તો આ સપનું સાકાર થાય તેમાં કોઈ શંકા નથી.
સ્વસ્થ માણસ થવા માટે આ રીતે સમજણ, ઠપકો અને પરિવર્તનનો સંકલ્પ કરીએ તો બહુ થોડા સમયમાં ઘણો મોટો ફરક જીવનમાં આવી શકે. ૧૨ -
- ૧૧