________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શોક, ઉદ્વેગ અને આકંદ મારું જીવન બની ગયું. ઋષિદત્તાની સ્મૃતિ સિવાય મારું મન કંઈ જ વિચારી શકતું ન હતું. મારી અશક્તિ, મારી કાયરતા અને મારી નિર્વીર્યતા ઉપર મને ધિક્કાર ઊપજ્યો. સાથે સાથે, પિતાજીએ બતાવેલી ક્રૂરતા, નિર્દયતા અને પાશવતાએ મારા મનને વિદ્રોહી બનાવી દીધું.
હું ઋષિદત્તાને બચાવી ન શક્યો, એની રક્ષા ન કરી શક્યો, એનું પારાવાર દુ:ખ હતું. ઋષિદત્તા નિર્દોષ હતી, નિષ્પાપ હતી... નિરપરાધી હતી... એ હું જાણતો હતો... છતાં એની સાથે કોણે આવી ક્રૂર રમત રમી એ હું જાણી શક્યો ન હતો... એના ઉપર લાગેલા કલંકને દૂર કરવા મારી પાસે કોઈ પુરાવો ન હતો, કોઈ બુદ્ધિ ન હતી, કોઈ ઉપાય ન હતો.... એક જ પુરાવો હતો... અને તે મારું હૃદય! પરંતુ મારા હૃદયનો પુરાવો પિતાજીને મંજૂર ન હતો. આ દુનિયામાં હૃદયની સચ્ચાઈને કોણે સન્માની છે? કોણે સ્વીકારી છે? ઋષિદત્તા ભલે પિતાજી માટે પુત્રવધૂ હતી, પરાયા ઘરની કન્યા હતી, પરંતુ હું તો એમનો પુત્ર હતો ને? ઋષિદનાની સચ્ચાઈ ઉપર ભલે એમને વિશ્વાસ ન આવે, પરંતુ પોતાના પુત્ર ઉપર પણ અવિશ્વાસ?
પિતાનો પુત્ર ઉપર અવિશ્વાસ! પિતાજીએ માની જ લીધું હતું કે હું ઋષિદત્તાના પ્રેમમાં આંધળો બની ગયો છું અને એટલા માટે હું ઋષિદત્તાના દુષ્પરિત્રને જાણવા છતાં છૂપાવું છું. મને રાજ્યની પ્રજા કરતાં ઋષિદત્તા ઉપર વધુ રાગ છે! આ બધી પિતાજીની ધારણાઓ હતી.
જે પિતાજીનો મેં અપરંપાર સ્નેહ મેળવ્યો હતો... જે પિતાજી પ્રત્યે મારા હૃદયમાં અત્યંત આદર હતો, ભક્તિ હતી, બહુમાન હતું.... અને પિતાજી જાણતા હતા આ બધું! પરંતુ મારા પ્રત્યેની એમની શ્રદ્ધા તૂટી ગઈ! કારણ કે દુનિયામાં એક માન્યતા દૃઢ થયેલી છે કે પત્નીના ગાઢ પ્રેમમાં પડેલો પુત્ર પોતાનાં માતા-પિતાનો નથી રહેતો! માતા-પિતા ઇચ્છતા હોય છે કે પુત્ર એની પત્ની કરતાં પોતાનાં માતા-પિતાને વધુ ચાહે! માતા-પિતાની ખાતર પત્નીનો ત્યાગ કરવો પડે તો કરે, પરંતુ પત્નીની ખાતર માતા-પિતાનો ત્યાગ ન કરે! પછી ભલે પત્ની નિર્દોષ હોય અને માતા-પિતા દોષિત હોય!
For Private And Personal Use Only