________________
નહિ એસો જનમ બારબાર
૨૫૫
પાંચ મહાવ્રતોમાં બ્રહ્મચર્ય શ્રેષ્ઠ ગણાય છે. શી રીતે એને સિદ્ધ કરવું?
આઠ કર્મોમાં સૌથી વધુ ખતરનાક મોહનીયકર્મ ગણાય છે. કઈ રીતે એના ઉધામા હળવા કરી શકાય?
છે કોઈ ઉપાય, ઘણા અંશોમાં કારગત નીવડે તેવો?
હા... અપેક્ષાએ એમ કહી શકાય કે રસના ઉપર કાબૂ મૂકી દેવામાં આવે તો કદાચ એની અસર એ ત્રણે ય ઉપર થાય ખરી.
સર્વ ઈન્દ્રિયોમાં રસનેન્દ્રિય જ સૌથી વધુ ખતરનાક છે. એના તોફાનોમાંથી જ મોહનીયકર્મને તોફાન કરવાનું નિમિત્ત મળે છે; બ્રહ્મચર્ય ખંડિત થવાની શક્યતા ઊભી થાય છે; ચિત્તશાંતિ સંપૂર્ણ રીતે જોખમાઈ જાય છે.
યુગપ્રધાન મંગુ - આચાર્યના જીવનને દુર્ગતિના દ્વારે ધકેલી મૂકનાર રસનેન્દ્રિય જ હતી ને?
આષાઢાભૂતિ, સુવ્રતમુનિ વગેરેના પતનમાં આણે જ મુખ્ય ભાગ ભજવ્યો હતો ને?
તમારે શુદ્ધ સાધુ જીવન જીવવું છે? તો હું કહીશ કે ગુરુને સમર્પિત બની જાઓ અને રસનાના વિજેતા બની જાઓ. પછી બાકીની સાધનાના યંત્રો આપમેળે વેગ પકડી લેશે.
આહારશુદ્ધિ
જે સાધક ખાનપાનમાં પૂર્ણ કાબૂ ધરાવે નહિ, એ સિદ્ધિ પામી શકે નહિ. બેશક, ખાનપાન ઉપર કાબૂ લેવા જેવું કદાચ એક પણ કાર્ય કઠોર નહિ હોય પરંતુ તેથી, પોતાની નબળાઈ છતી કરવાને બદલે, “ખાનપાનના કાબૂની જરૂર જ નથી' એવું વિધાન કરનારાઓ સાચે જ આખી માનવ જાતને ખાડામાં ઉતારવાનું ઘોર અપકૃત્ય કરી રહ્યા છે.
ગજવામાં પૈસા ન હોય તેથી કાંઈ દુકાનદારને એમ કહેવાય ખરું કે, “તારી દુકાનમાં માલ જ નથી?”
સર્વ ભારતીય દર્શનો એ વાતમાં સંમત છે કે આહારશુદ્ધિ વિના સત્ત્વ શુદ્ધિ શક્ય જ નથી, અને જેની સત્ત શુદ્ધિ નથી એનું જ્ઞાન સ્થિરભાવ પામી શકતું જ નથી. માત્ર જાપ કરવાથી, માત્ર પોથી પંડિત બનવાથી “ગીતાજી” કે “વ્યાસમુનિ''