________________
નહિ ઐસો જનમ બાર-બાર
કષાયનો પડછાયો પણ જોવા ન મળે.
પળની પણ ફુરસદ જ ન મળે.
નિદ્રા પણ શ્વાન જેવી ચપળ હોય.
૨૫૩
વિજાતીય સંપર્કનું નામોનિશાન ન હોય. સ્વાધ્યાય તો ધબકતા પ્રાણસમો બની ગયો હોય. ગુરુભક્તિ રૂવાંડે રૂવાંડે પરિણમી ગઈ હોય એવા જીવનમાં વિકારોના પ્રવેશની સંભાવના જ ક્યાંથી રહે ?
હા... નિકાચિત કર્મોના તોફાનની વાત જુદી છે.
આ ત્રણ વિના સાધુત્વ શી રીતે ટકી શકે?
સાધુજીવનનો વેષ તો પહેર્યો પણ પછી એને અનુરૂપ જીવન પણ જીવવું જ જોઈએ ને?
ગુરુભક્તિ, તપ અને જ્ઞાનવૃદ્ધિ વિના સાચું સાધુજીવન શી રીતે જીવી શકાય?
કદાચ શારીરિક અસ્વસ્થતા કે અપંગતા વગેરેને કારણે ઉપકારી ગુરુની ભક્તિ ન બની શકે તો ? તો ય વાંધો નથી; જો એ ઉપકારી પ્રત્યે હૈયામાં ભારોભાર બહુમાન હોય.
એ જ રીતે કદાચ આયંબિલ આદિ ઉગ્ર તપ ન પણ થઈ શકે તો ય ઉગ્ર કક્ષાનો મીઠાઈ, ફળ વગેરેનો ત્યાગ તો અત્યંત આવશ્યક છે. એ ત્યાગ વિના તો ન જ ચાલી શકે.
કદાચ વધુ શ્લોકો વગેરે કંઠસ્થ કરવાની શક્તિના અભાવે જ્ઞાનવૃદ્ધિ ન થઈ શકે તો ય હજી ચાલી શકે; પરંતુ જ્ઞાન પ્રાપ્ત કરવાનો ઉદ્યમ તો ધરખમ હોવો જ ઘટે. નિરુદ્યમીપણું તો સાધુજીવનનું તાલપુટવિષ છે.
આમ સાધુતાની બે કક્ષાઓ થઈ. ગુરુભક્તિ, તપ અને જ્ઞાનવૃદ્ધિ યુક્ત પ્રથમ કક્ષા અને બહુમાન, ત્યાગ અને ઉદ્યમની બીજી કક્ષા.
મને લાગે છે કે સાચા સાધુજીવનની ત્રીજી કક્ષા કોઈ નહિ હોય. પ્રથમ કક્ષાના સાધુ બનવાનો જ ઉદ્દેશ હોવો ઘટે. પ્રયત્ન પણ તે માટેનો જ હોવો જોઈએ. છેવટે બીજી કક્ષાના સાધુ તો બનવું જ રહ્યું.
નહિ તો, ‘નહિ ઘરના અને નહિ ઘાટના.' જેવી કમનસીબ દશા થાય.