________________
૨૨૨
નહિ ઐસો જનમ બાર-બાર
શાસ્ત્રની જે વાતો ઘણી ઊંચી વિકાસકક્ષાને નજરમાં રાખીને જણાવાઈ હોય તેને નીચલી કક્ષામાં પણ લગાવી દેવી એ તો કેટલું ભયંકર જૂઠાણું જ કહેવાય?
ત્રણ વર્ષના બાળક માટે માતાનું સ્તનપાન હેય ખરું કે નહિ? જો હા. તો શું હવે એમ કહી શકાય ખરું કે ત્રણ મહિનાના બાળક માટે સ્તનપાન હેય છે! અરે બે કક્ષાઓ જ સાવ જુદી છે ત્યાં હેયતાની સમાનતા શી રીતે રહી શકે!
વેલામાંથી વૃક્ષ બન્યા પછી વાડ અવશ્ય હેય છે પણ તેથી શું વેલાની બાળ અવસ્થામાં જ એ વાડને ઊંચકીને ફેંકી દેવાય ?
બાળકક્ષાના જીવો માટે તો પુણ્ય ઉપાદેય જ છે. સહુ કાંઈ ધર્મ માટે ધર્મ કરતા નથી. કેટલાક એવા પણ હોય છે જેઓ પુણ્યના પ્રલોભનથી ધર્મ કરવાની બાળકક્ષામાં હોય છે. આવા જીવોને પુણ્યની હેયતા જણાવીને શું કમાવાનું છે?
જરૂર પાપકર્મ હેય છે. પણ પાપકર્મનો મળ કાઢવા માટે માનવ-જીવન, જિનકુળ, સદ્ગુરુયોગ, પંચેન્દ્રિયપટુતા વગેરે શું જરૂરી નથી? બધાય શું પુણ્યકર્મના ઉદય વિના મળી જવાના છે? મળ કાઢવા માટે દિવેલ તો વાપરવું જ પડે છે. ભલે બીજું કાંઈ જ ન વપરાય.
પેટમાં ગયેલું દિવેલ, મળ કાઢીને આપોઆપ નીકળી જાય છે. દિવેલને કાઢવા કોઈની જરૂર નથી. પુણ્યકર્મ દિવેલ જેવું છે.
કોરા ક્રિયાકાંડી કરતાં કોરો જ્ઞાનવાદી વધુ ભૂંડો ગણાય!
આત્માની, આત્માના જ્ઞાનાદિગુણોની-નિશ્ચયનયની વાતો કરનારા કેટલાક જ્ઞાનવાદી લોકો ક્રિયાકાંડ, તપ, ત્યાગ કરનારાઓ તરફ તિરસ્કારની નજરથી જુએ છે એ ભારે કમનસીબ બાબત છે.
સાવ જડ, એકાંગી, કોરી ક્રિયાઓ કરનારાઓ જો તરત મોક્ષ પ્રાપ્ત કરી શકતા નથી તો એ વાત પણ નક્કી સમજી રાખવી કોરી જ્ઞાનની વાતો જ કરનારાઓ, ક્રિયાકાંડના જીવનથી સંપૂર્ણ રીતે અલિપ્ત રહેનારા, રાત્રિભોજનાદિ દોષોને પણ જ્ઞાનની વાતો નીચે ઉપેક્ષિત કરનારા પણ મોક્ષ પામવા માટે એટલા જ નાલાયક છે.
દેહાત્માના ભેદજ્ઞાન વિના મોક્ષ થાય જ નહિ એવું કહેનારા જ્ઞાનવાદીઓ જાણે એમ જ સમજતા હોય છે કે ઘોર તપ કરનારાઓ, મહાવ્રતોના પાલકો, તીર્થની યાત્રાઓ કરનારા ક્રિયાકાંડીઓને દેહાત્માનું ભેદજ્ઞાન થયું જ નથી!