________________
૨૦૮
નહિ ઐસો જનમ બાર-બાર
એટલે એનાથી પૂર્ણવિકાસની કક્ષા પ્રાપ્ત ન થાય. એ માટે સદેવ સાથે રહેતી સબુદ્ધિ જરૂરી બને.
જેને સબુદ્ધિ પ્રાપ્ત થઈ એના જીવનમાં પાપવિકારોની અમંગળ બળવાન પળો સંભવે નહિ. ક્રમશઃ એ આત્મા ચારિત્ર્યના પંથે પ્રયાણ આદરે અને પૂર્ણવિકાસની કક્ષાને સિદ્ધ કરે જ.
ગુણોનું પાચન અને અપાચન
કોઈ પણ ગુણનું પાચન સહિષ્ણુતામાં પરિણમે છે અને ગુણનું અપાચન નફરતમાં પરિણમે છે. જરાક વિસ્તારથી આ વાત વિચારીએ. જેને તપ ગુણનું પાચન થયું હોય તે તપસ્વી આત્માને અતપસ્વી તરફ સહિષ્ણુતા હોય. પોતે તપ કરે એટલે બધાએ તપ કરવું જ પડે; અને એ તપ ન કરે તો એનું માથું ફાટી જાય... એ બાબત બરોબર નથી.
જ્ઞાનીના જ્ઞાનનું પાચન ત્યારે જ કહેવાય જ્યારે અજ્ઞાની કે સાવ જડને પણ પ્રેમથી હૈયામાં સમાવી લેવા જોગી સહિષ્ણુતા તેને પ્રાપ્ત થઈ હોય.
સત્તાધારીની સત્તા તો જ પ્રશસ્ય ગણાય. જો બીજાઓ પ્રત્યે તે અતિનમ્ર બનીને તેમના દોષો તરફ સહિષ્ણુતા દાખવતો હોય.
કોઈ પણ ગુણનો અપચો, તે ગુણવિહોણા તરફની નફરતમાંથી જણાઈ આવે
તપસ્વીને ખાનારાંઓ તરફ નફરત થવી એના તપનો અપચો ગણાય; જ્ઞાની જડભરત તરફ તિરસ્કાર થયા કરવો એ એના જ્ઞાનનો અપચો ગણાય. સત્તાનો મદ એ સત્તાધારીની સત્તાનો અપચો ગણાય.
તપનું અજીર્ણ ક્રોધ, જ્ઞાનનું અજીર્ણ અહે, સત્તાનું અજીર્ણ તુમાખી, રૂપનું અજીર્ણ વિકૃતિ વગેરે વિધાનો વ્યક્તિગત રીતે પણ કરી શકાય પરંતુ બધા ય ગુણોનું એક અજીર્ણ કહેવું હોય તો “નફરત’ કહી શકાય એમ મને લાગે છે.
કોઈ પણ ગુણની સાથે જો ગુણાનુરાગ ન હોય અને જો અવગુણ-સહિષ્ણુતા ન હોય તો તે ગુણ મોક્ષભાવનો સાધક બની શકે જ નહિ.