________________
૧૭૦
નહિ ઐસો જનમ બાર-બાર
અનીતિ, વિશ્વાસઘાત આદિ પાપે તારો વ્યવહાર ખરડાયો હતો ખરો?
સબૂર... હાથી જેવી મનોદશા ન ધરાવ. પોતાનું જ બિહામણું મુખ તે પોતે જ તળાવના જળમાં જોઈ શકતો નથી; માટે જ પાણીને ડહોળતો રહીને પાણી પીતો જાય છે. જા... તારા ભૂતકાળમાં ચાલ્યો જા... અને એ બિહામણા તારાં સ્વરૂપને નિહાળ. જાતે જ વાવ્યા છે ને બાવળીઆ ? તો હવે કાંટા ભોંકતા પોક મૂકવાની શી જરૂર છે?
ચંદનકાષ્ટની પણ આગ તો દઝાડે જ
ધર્મથી પ્રાપ્ત થયેલું પુણ્યકર્મ ઉદયમાં આવીને જે સુખસામગ્રી આપે છે એ સુખસામગ્રીનો સ્વભાવ તો દઝાડવાનો જ છે. ભલે એ સુખ શુભ-પુણ્યથી મળ્યું હોય; ભલે તે પુણ્ય ધર્મ કરવાથી બંધાયું હોય.
ધર્મ સારો; પુણ્ય સારું. પરંતુ એ પુણ્યથી પ્રાપ્ત થતું સંસારસુખ તો ખરાબ જ; કેમકે એનો સ્વભાવ આત્માને ખરાબ કરવાનો જ છે. હા... આત્મા બળવાન હોય; અને એનું જોર ચાલવા ન દે તો જ એ ભોગસામગ્રીઓ આત્માને ખરાબ કરી ન શકે, પણ આ તો ચમત્કાર કહેવાય. શાલિભદ્રાદિ જેવા તો કોઈક જ હોય.
આગનો સ્વભાવ દઝાડવાનો; ઝેરનો સ્વભાવ મારવાનો... પછી મંત્રાદિના જ્ઞાતાને એ દઝાડી કે મારી ન શકે એ જુદી વાત થઈ.
ધર્મને આપણે ચંદનકાષ્ટની ઉપમા આપીએ. ધર્મથી ઉત્પન્ન થતું સુખ એ આગ કહેવાય. ભલેને ચંદનકાષ્ટમાંથી આગ ઉત્પન્ન થઈ; પણ તેથી કાંઈ એ શીતલતા ન આપે; એ તો દઝાડે જ.
દાન સારું છે, તેથી કાંઈ તેના સાધનભૂત લક્ષ્મીને સારી ન કહેવાય. જો એમ કહેશો તો લક્ષ્મી પ્રાપ્ત કરી આપતી અનીતિને પણ સારી કહેવી પડશે. ના...દરેક કાર્ય, કારણોના સારા-નરસાપણાની ભિન્ન ભિન્ન મર્યાદા હોય છે. શિષ્ટો જ એને આંકીને દેખાડી શકે.
સુખ નામના ભૂતના અગીયાર તોફાન
જેને સુખ નામનું ભૂત વળગ્યું એના ભોગ જ લાગ્યા સમજો.