________________
નહિ ઐસો જનમ બાર-બાર
૧૫૫
જૈનશાસનને પામેલા સુખી, દુ:ખી કેવા હોય?
જેને સુખની સામગ્રી મળી હોય તે સુખી; દુ:ખની સામગ્રી-ઝૂંપડાં વગેરે મળ્યાં હોય તે દુઃખી.
આ વ્યાખ્યા જગતે બનાવેલી છે. આપણે પણ એને મંજૂર રાખીને ચાલીએ.
જૈનકુળમાં કે અજૈનકુળમાં જન્મ પામેલા કોઈ પણ આત્માને આંતરશત્રુ સ્વરૂપ રાગાદિ ભાવો ઉપર નફરત ઉત્પન્ન થઈ હોય તેને સાપેક્ષદષ્ટિથી જૈનશાસનના અંશને-અલ્પાધિક-રીતે પામેલો જ કહેવાય. આવા આત્માઓ પુણ્યકર્મના ઉદયે સુખી પણ હોઈ શકે તેમ પાપકર્મના ઉદયે દુ:ખી પણ હોઈ શકે. અર્થાત્ લોકો તેમને સુખી તરીકે કે દુઃખી તરીકે જોતા હોય તેમ બને.
પણ આ સુખ, દુ:ખ તો કર્મોદયથી પ્રાપ્ત થતી વસ્તુઓ છે. તેમાં જૈન શાસનને પામ્યાનું ફળ શું?
જેઓ જૈનશાસનને પામ્યા નથી એવા સુખી લોકો પાપી જ બની ગયેલા હોય; અને એવા દુઃખી લોકો દીન જ બની ગયેલા જોવા મળે. કેમકે સુખનો સ્વભાવ પાપ જ કરાવવાનો છે. આગનો સ્વભાવ દઝાડવાનો છે તેમ.
એ રીતે દુઃખનો સ્વભાવ જીવને દીન-હીન બનાવી દેવાનો છે.
પરંતુ જેઓ જિનશાસનને પામ્યા તે સુખી લોકો એ શાસનના પ્રભાવે ધર્મી જ બને છે; અને એ દુઃખી લોકો સુખી જ હોય છે! તનનાં જ દુઃખી; મનનાં તો મસ્તાન... પુણીઆ શ્રાવકની જેમ.
સુખી જો પાપી બન્યો હોય; દુ:ખી જો દીન બન્યો હોય તો હકીકતમાં તે જૈન જ ન કહેવાય.
સુખ દુઃખના પ્રશ્નો ઉકેલતાં ન આવડે ત્યાં સુધી ધર્મ અસંભવિત
જીવનની કોઈ પણ પળને; જીવનના કોઈ પણ તબક્કાને; જીવનના કોઈ પણ ક્ષેત્રને; સુખ-દુઃખના પ્રશ્નો સ્પર્શેલા છે.
જ્યાં સુધી આ પ્રશ્નોને ઉકેલવાની કોઈ ચાવી હાથ ન લાગે ત્યાં સુધી ધર્મતત્ત્વની સ્પર્શના અસંભવિત છે. ધર્મ એટલે રાગદ્વેષની મંદતા કે ક્ષીણતા.