________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિવેદન અને સંવેદન
શ્રીપાલ-મયણાની કથા સર્વપ્રથમ વિ. સં. ૧૪૨૮માં પ્રાકૃત ભાષામાં લખાઈ હતી. તેના લેખક હતા આચાર્યપ્રવરશ્રી રત્નશેખરસૂરિજી. ત્યાર પછી વિ. સં. ૧૫૧૪માં સંસ્કૃત ભાષામાં શ્રીપાલ-મયણાનું ચરિત્ર લખ્યું હતું પંડિતશ્રી સત્યરાજ ગણિવરે. આ બંને ચરિત્ર-ગ્રંથો વર્તમાનમાં ઉપલબ્ધ છે.
આ હૃદયંગમ પવિત્ર કથા સમગ્ર જૈન સંઘમાં સુપરિચિત છે. પ્રતિવર્ષ ચૈત્ર મહિનાની અને આસો મહિનાની શાશ્વતુ આયંબિલ-ઓળીના દિવસોમાં લગભગ પૂજ્ય સાધુ-સાધ્વીજી આ કથા સંઘને સંભળાવતા હોય છે.
આ કથા રાસ (કાવ્ય) રૂપે પણ મહોપાધ્યાયશ્રી વિનવિજયજી તથા મહોપાધ્યાય શ્રી યશોવિજયજીએ રચેલી છે. ‘શ્રીપાલરાસ’ના નામે તે પ્રસિદ્ધ છે. (વિક્રમની અઢારમી સદી, ૨૪ ઢાળ = ૭૪૮ ગાથા.)
મેં પણ અનેકવાર પ્રવચનોમાં શ્રોતાઓને આ કથા સંભળાવેલી છે. મને ખૂબ ગમતી કથા છે. આ કથા કહેતાં કહેતાં ઘણી વાર અનુપમ સંવેદનો મેં અનુભવેલાં છે. ઘણી વાર શ્રીપાલ-મયણા સાથે તાદાત્મ્ય સધાઈ ગયેલું છે. એટલે મૂળ ચરિત્રમાં જે કેટલીક ઘટનાઓ નથી વાંચવા મળતી એવી પણ ઘણી ઘટનાઓ, પ્રસંગો... જે મારા ભાવાલોકમાં ઉદ્ભાસિત થયા, તે મેં આ કથામાં લખ્યા છે... જ્યાં સુધી મારી સમજ અને બુદ્ધિનો વ્યાપ છે ત્યાં સુધી મેં મયણા અને શ્રીપાલના વ્યક્તિત્વને વિશેષરૂપે અજવાળવાનો પ્રયાસ કર્યો છે. ખાસ કરીને ‘મયણા’ના અપૂર્વ નારીત્વને, સતીત્વને, એના સત્વને, ઓજસને... શ્રદ્ધાને અને જ્ઞાનને નવાજવા ઉઘત બન્યો છું. મારી એવી સમજણ છે કે ઊર્મિની સચ્ચાઈનો રણકો અને કલ્પનાની મૌલિકત્તા શબ્દોમાં અવતરે તો જ સહૃદય મનુષ્યને સ્પર્શે. અને જેટલું એ વાચકના હૃદયમાં ઉતરે છે એટલું જ યથાર્થ નીવડે છે.
વાત એની એ જ હોય છે, પણ કહેવાના અંદાજ જુદા-જુદા હોઇ શકે છે. એ અંદાજોને લક્ષમાં રાખી આ કથા તમે વાંચશો તો તમે દિવ્ય સંવેદનો અનુભવશો. આ કથા છે! એટલે એમાં વિવિધ રસોને પુષ્ટ કરવા જ પડે. જેથી વાચકના હૃદયને બાંધી રાખી શકાય.
For Private And Personal Use Only