________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪
જ્ઞાનસાર શાંતિ...સમતા માની લેવાની ભૂલ કરે છે, તેની તે શાંતિ. સમતા બનાવટી હોય છે. તૂટી જતાં વાર નહિ.
गर्जज्ज्ञानगजोत्तुङ्गा रङ्गद्धयानतुरङ्गमाः।
जयन्ति मुनिराजस्य शमसाम्राज्यसम्पदः ।।८।।४८ ।। અર્થ : જેમાં ગર્જના કરતા જ્ઞાનરૂપ હાથીઓ અને ખેલતા ધ્યાનરૂપ ઘોડાઓ છે, એવી મુનિરૂ૫ રાજાની શમરૂપ સામ્રાજ્યની સંપત્તિ જયવંતી વર્તે છે.
વિવેચન : “મુનિરાજા” કેવું હુલામણું નામ છે. કર્ણપ્રિય અને મનોહર! મુનિરાજાનું વિશાળ સામ્રાજ્ય તમે જાણો છો? શમ, ઉપશમ.... સમતા. એ એમનું સામ્રાજ્ય છે. મુનિરાજા એમના આ રાજ્યનું ખૂબ સાવધાનીથી જતન કરે છે. એમના સામ્રાજ્યની સરહદમાં પણ રાગદ્વેષ જેવા જગતને ધ્રુજાવતા શત્રુઓ ડગ ભરી શકતા નથી. એવી તો એ મુનિરાજાની જબરી ધાક છે!
આપણા “મુનિરાજા'નું સૈન્ય પણ મહાપરાક્રમી છે, હોં! એમણે માત્ર બે સેનાઓ રાખી છે અશ્વસેના અને હસ્તિસેના. આ બે સેનાઓ પર “મુનિરાજા” નિર્ભય અને મગરૂબ છે. “જ્ઞાન' એ એમની હસ્તિસેના છે અને ધ્યાન' એ એમની અશ્વસેના છે. જ્ઞાન-ગજરાજની સેનાની દિગંતવ્યાપી ગર્જનાઓ અને ધ્યાન-અશ્વની સેનાનો હણહણાટ, “મુનિરાજાના સામ્રાજ્યમાં સદૈવ આનંદ અને પ્રસન્નતા આપતો રહે છે... શમ-સામ્રાજ્યનો વિજયધ્વજ નિરંતર ફરકતો રહે છે.
મુનિજીવનનું કેવું સુરમ્ય... સુરેખ ચિત્ર પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજે અહીં ઉપસાવ્યું છે! મુનિને તેમણે રાજસિંહાસને બેસાડીને... “મુનિરાજાનું સામ્રાજ્ય જયવંતું વર્તા!' ની છડી પોકારી.. અને પછી પ્રેમભરી જુબાને કાનમાં કહી દીધું... “મુનિરાજા, તમે બન્યા હવે રાજા... તમારા ઉપશમ... સામ્રાજ્યના તમે રાજા... એનું રૂડું રખેવાળું કરજો, હોં! મુનિરાજાને ગભરાતા જોઈ, મુખ પર આછેરું સ્મિત ફરકાવી તેમણે કહ્યું : “મારા રાજા! તમારી પાસે બે સેનાઓ મહાન છે.. ડરો છો શાના? ગજસેના ને અશ્વસેના. જ્ઞાન અને ધ્યાન, ગજસેનાની ગર્જના સાંભળતાં પેલા ધાડપાડુઓ... રાગદ્વેષ તમારા રાજ્યની સીમમાં ડગલુંય નહિ મૂકી શકે... અશ્વસેનાના અશ્વો પર બેસીને તમે તમારે ખેલતા જ રહેજો... બસ...'
સમતાયોગની રક્ષા મુનિ જ્ઞાન-ધ્યાન દ્વારા કરી શકે. જ્ઞાન-ધ્યાન દ્વારા જ મુનિ સમતાયોગની ભૂમિકાને ટકાવી શકે, અન્યથા નહિ; એ તાત્પર્ય છે.
For Private And Personal Use Only