________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૬
જ્ઞાનસાર ક્યાંથી હોય? અર્થાત્ કાન એ શુદ્ધ બ્રહ્મનો ધ્વનિ સાંભળી ન શકે, આંખો શુદ્ધ બ્રહ્મને નિહાળી ન શકે, નાક અને સુંઘી ન શકે. જીભ એને ચાખી ન શકે અને ચામડી એને સ્પર્શી ન શકે.
ભલે શાસ્ત્રોની યુક્તિઓ-તર્કો આત્માનું અસ્તિત્વ સિદ્ધ કરે, ભલે બુદ્ધિની કુશાગ્રતા નાસ્તિકોનાં હૈયામાં આત્માની સિદ્ધિ સ્થાપિત કરી દે, પરંતુ આત્માને જાણવો એ શાસ્ત્રોના ગજા બહારની વાત છે. બુદ્ધિની મર્યાદા બહારની વાત છે. જાણો છો ને કે શાસ્ત્ર અને બુદ્ધિના કોથળા ભરી રાજા પ્રદેશી પાસે જનારા કેવા વિલખા પડી ગયા હતા? રાજા પ્રદેશીને તે વિદ્વાનો શાસ્ત્ર કે બુદ્ધિથી આત્માને ઓળખાવી ન શક્યા! ઇન્દ્રિયોના માધ્યમથી આત્માને જોવાના આગ્રહવાળા પ્રદેશી રાજાએ કેવો જુલ્મ ગુજાર્યો હતો? પરંતુ જ્યારે કેશી આચાર્ય એને મળ્યા, ઇન્દ્રિયોને અગોચર-ઇન્દ્રિયોથી અગમ્ય આત્માનું દર્શન કરાવ્યું, ત્યારે પ્રદેશી રાજા રાજર્ષિ પ્રદેશી બની ગયો હતો.
આત્માને જાણ્યો વિશુદ્ધ અનુભવથી! આત્માને ઓળખ્યો ઇન્દ્રિયોના ઉન્માદને અળગો કરીને આત્માને મેળવ્યો શાસ્ત્રો અને યુક્તિઓથી પર બનીને!
આત્માને જાણવા માટે, ઓળખાણ માટે, મેળવવા માટે જેણે દઢ સંકલ્પ કર્યો હોય તેણે ઇન્દ્રિયોના ઘોંઘાટને શાંત કરવો જોઈએ. કોઈ પણ ઇન્દ્રિયને હસ્તક્ષેપ ન કરવા દેવો જોઈએ. શબ્દ-રૂપ-રસ-ગંધ-સ્પર્શની દુનિયામાંથી મનને દૂરના પ્રદેશમાં લઈ જવું જોઈએ ત્યારે વિશુદ્ધ અનુભવની ભૂમિકા સર્જાય.
આત્માને જાણવા સિવાય બીજું કંઈ જ જાણવાની કામના ન જોઈએ. આત્માને ઓળખવા સિવાય બીજું કંઈ જ ઓળખવાની જિજ્ઞાસા ન જોઈએ. આત્માને મેળવવા સિવાય બીજું કંઈ મેળવવાની તમન્ના ન જોઈએ. જ્યાં સુધી આ કક્ષા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આત્માનુભવની પાવન ક્ષણ પામી શકાય એમ નથી.
આત્માનુભવ કરવા માટે આ પ્રકારનું જીવન પરિવર્તન કર્યા સિવાય બીજો કોઈ માર્ગ નથી. આત્માનુભવની વાતો કરવા માત્રથી કાર્યસિદ્ધિ થવાની નથી. એ માટે કોઈ ગિરિગુફાઓમાં કે આશ્રમોમાં ભટકવાની આવશ્યકતા નથી. આવશ્યકતા છે અંતરંગ સાધનાની આવશ્યકતા છે શાસ્ત્રોના વિવાદોથી પર થવાની અને આવશ્યકતા છે તર્કવિતર્કના વિષમ વમળોમાંથી બહાર નીકળી જવાની.
For Private And Personal Use Only