________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૪
જ્ઞાનસાર
આ ત્રણેયનો સુસંવાદ જેના જીવનમાં દેખાય, તે મહાયોગી છે. આ ત્રણેય વાતોની ચાવી છે : શાસ્ત્રદૃષ્ટિ! શાસ્ત્રદૃષ્ટિ વિના શાસ્ત્રોને જાણવાનું ન બને, ઉપદેશ આપવાનું ન બને અને શાસ્ત્રીય જીવન જીવવાનો પુરુષાર્થ
ન થાય.
મહાયોગી બનવા માટે પહેલી શરત છે શાસ્ત્રદૃષ્ટિની. દૃષ્ટિ શાસ્ત્ર તરફ જ મંડાયેલી રહે. પોતાની વૃત્તિઓ, વિચારો, વલણો વગેરેનું વિલીનીકરણ એક શાસ્ત્રમાં જ કરી દીધું હોય. શાસ્ત્રથી ભિન્ન જેની વૃત્તિ નહીં કે વિચાર નહીં! શાસ્ત્રીય વાતોથી પોતાની વૃત્તિઓને ભાવિત કરી દીધી હોય. એના વિચારો જ શાસ્ત્રીય બની ગયા હોય. એનો સુદૃઢ સંક્લ્પ થયેલો હોય કે ‘શાસ્ત્રથી જ સ્વ-પરઆત્માનું હિત થવાનું છે.' એટલે એ મહાયોગી એ હિતકારી શાસ્ત્રીય વાર્તાનો જ ઉપદેશ ન આપે. લોકોની અભિરુચિ શાસ્ત્ર વિરુદ્ધ વાતોની હોય, છતાં આ મહાત્મા એવી વાતોના ઉપદેશ દ્વારા લોકરંજન ન કરે. અહિતકારી ઉપદેશ મહાયોગી ન જ આપે.
પોતાનું આત્મહિત પણ શાસ્ત્રના માર્ગદર્શન મુજબ જ સાધે. જીવનની પ્રત્યેક પ્રવૃત્તિમાં શાસ્ત્ર માર્ગદર્શન આપેલું છે. મોટી અને નાની સર્વ પ્રવૃત્તિઓ કેવી રીતે કરવી, શાસ્ત્ર ખૂબ જ સ્પષ્ટ અને સુંદર વિધિ બતાવી છે. યોગી એ જાણે અને જીવે. સુપાત્રને એનો ઉપદેશ પણ આપે.
મોક્ષમાર્ગની જેણે આરાધના કરવી છે, આત્માનું સ્વાભાવિક સ્વરૂપ જેણે પ્રગટ કરવું છે, તેણે શાસ્ત્રનો આદર ક૨વો જ પડશે. ભલે શાસ્ત્રો પ્રાચીન છે, પરંતુ તે નિત્ય નૂતન સંદેશ આપે છે. જેણે આત્મહિત કરવું છે, તેના માટે તો શાસ્ત્ર સિવાય બીજો કોઈ માર્ગ નથી. હા, જેને દુન્યવી જીવન જ જીવવું છે, આત્મા, મોક્ષ કે પરલોકનો વિચાર નથી, એવાં વિદ્વાનો, બુદ્ધિમાનો કે રાષ્ટ્રનેતાઓ ભલે શાસ્ત્રોની પરવા ન કરે; ભલે શાસ્ત્રોની અવગણના કરે, તેમના આદર્શો જુદા છે, તમારા આદર્શો જુદા છે! માટે, મન-વચનકાયાથી શાસ્ત્રની ઉપાસનામાં લાગી જાઓ.
For Private And Personal Use Only