________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૯
શાસ્ત્ર મુસાફરી કરનાર ગૃહસ્થ “બેટરી સાથે જ રાખે છે ને! કોઈ ખાડામાં પગ ન પડી જાય, કોઈ કાંટો પગમાં પેસી ન જાય, કોઈ પથ્થર સાથે ટકરાઈ ન જવાય. એ માટે “બેટરીને ખૂબ જ મહત્ત્વનું સાધન સમજીને પાસે જ રાખે છે. પરોક્ષ પદાર્થોની દુનિયામાં શાસ્ત્રદીપકની પ્રકાશ રેલાવતી બેટરી જોઈએ જ; નહીંતર અજ્ઞાનના ખાડામાં પગ પડી જાય. રાગના કાંટા પગને આરપાર વીંધી નાખે, મિથ્યાત્વના પથ્થરો સાથે અથડાઈ જવાય...માટે શાસ્ત્રજ્ઞાનનો દીપક સાથે જ રાખો.
પરોક્ષ દુનિયાનાં રહસ્યો જાણવાં છે ને? આત્માની, પરમાત્માની અને મોક્ષની અવનવી, અપૂર્વ અને અભુત વાતો સાંભળવી છે ને? આત્મા પર પથરાયેલી અનંત કર્મોની જાળની રચના જાણ્યા વિના કર્મોનાં બંધનો કેવી રીતે તોડશો? શાસ્ત્રજ્ઞાનના દીવા વિના કર્મોની જાળમાં અટવાઈ જવાનું થશે!
હા, પરોક્ષ પદાર્થોની પરિશોધમાં તમને રસ નથી, પરોક્ષ પદાર્થોની પ્રાપ્તિ માટેનો થનગનાટ નથી, પરોક્ષ પદાર્થોનો ભંડાર મેળવવા માટે સાહસો ખેડવાની હિંમત નથી, તો શાસ્ત્રોના જ્ઞાનમાં તમને અભિરુચિ થઈ શકવાની નથી. શાસ્ત્રજ્ઞાનનો દીપક હાથમાં રાખીને ફરવાનું તમે શું પસંદ નહીં કરો?
પરોક્ષ પદાર્થોને જાણવા-જોવા માટે રસપ્રચુરતા જોઈએ... ઊછળતો થનગનાટ જોઈએ.. જીવસટોસટનાં સાહસ ખેડનારી સાહસિકતા જોઈએ. તો એની ગાઈડ' મેળવવાનું મન થાય ને! પરોક્ષ પદાર્થોનું પ્રમાણ, સ્થાન, માર્ગ, સાવધાનીઓ, પહાડો, નદીઓ, વનો...મહાવનો, સાધનો... વગેરે માહિતી વિના પરોક્ષ દુનિયાની સફર કેવી રીતે થઈ શકે?
એટલા માટે શાસ્ત્રજ્ઞાનની આવશ્યકતા છે. હા, શાસ્ત્રજ્ઞાન મેળવવાનો સાવ ક્ષયોપશમ ન હોય તો શાસ્ત્રજ્ઞાની મહાપુરુષોને અનુસરજો. એમના કહ્યા મુજબ જ ચાલજો, તો પણ તમે પરોક્ષ અર્થના ભંડારની નજીક પહોંચી જશો. દ્રાવિડ અને વારિખિલ્લની સાથે, પુંડરિકસ્વામી સાથે અને પાંડવો વગેરેની સાથે કરોડો મુનિઓ પરોક્ષ અર્થની ટોચે પહોંચી ગયા, એ કેવી રીતે? જ્ઞાનીઓના સહારે! મુનિ માટે શાસ્ત્રજ્ઞાન જે ફરજિયાત બનાવવામાં આવ્યું છે તે હેતુપૂર્વક છે. મુનિ પરોક્ષ દુનિયાનો યાત્રિક છે!
For Private And Personal Use Only