________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિદ્યા
૧૫૩
પોતાના જ આત્માને કર્મોથી બાંધે છે. તત્ત્વની અશ્રદ્ધાથી અને ગુણોમાં દ્વેષ ધારણ કરવાથી આત્માને કર્મલિપ્ત કરે છે, જે એના પોતાના જ દુઃખ માટે થાય છે.
પોતે કર્મથી બંધાતો જાય છે, છતાં પોતાને ભાન નથી હોતું કે ‘હું બંધાઈ રહ્યો છું.' શું આ જ મોટું આશ્ચર્ય નથી? જ્યાં સુધી આ ભાન ન થાય ત્યાં સુધી કર્મનાં બંધન અકળાવનારાં ન લાગે. જ્યાં સુધી કર્મનાં બંધનોમાં ત્રાસ અને જુલ્મનો અનુભવ ન થાય ત્યાં સુધી એ બંધનોને તોડવાનો પુરુષાર્થ ન થાય... પુરુષાર્થમાં જોમ, ઝડપ અને જયનું લક્ષ ન રહે. મોહમંદરાના પ્યાલા ઠાંસી-ઠાંસીને પીને, નશામાં ચકચૂર બનેલા બહિરાત્મા સામે દર્પણ ધરવામાં આવે છે : ‘તું તારી જાતને જો.’
જો એ દર્પણમાં જોવામાં આવે તો પોતાની જાત કેવી લાગે? અનંત અનંત કર્મોનાં બંધનથી બંધાયેલી... પરાધીન... પરતંત્ર અને સર્વસ્વ હારી ચૂકેલી!
ઘર અને ધન વગેરે પદાર્થોમાં મમત્વની બુદ્ધિ પરાધીનતા, પરતંત્રતામાં વૃદ્ધિ કરે છે. જ્ઞાનાદિ સ્વસંપત્તિને જોવા દેતી નથી અને બાહ્ય ભાવોમાં નાચ નચાવે છે. ‘અહં અને મમ' ના માર્ગે ચાલનારાઓની કેવી દુર્દશા થાય છે, તેનું ભાન કરવા ભૂતકાળનાં પાત્રો તરફ દૃષ્ટિ કરવાની જરૂર છે. ભૂમ અને બ્રહ્મદત્ત ચક્રવર્તીનાં કાળજા કંપાવનારાં વૃત્તાંતો વાંચો. મગધસમ્રાટ કોણિક અને નિકટના ભુતકાળના હિટલરના કરુણ અંતને જુઓ. સેન્ટ હેલિના ટાપુમાં અંતિમ દિવસો ગુજારનાર નેપોલિયનની કહાની સાંભળો.
અહંકાર અને મમકારના આ પાશની પાશવિતા અને ભયંકરતાને સમજી, એ પાશથી મુક્ત થવાનો સખત પુરુષાર્થ કરવો જરૂરી છે.
मिथोयुक्तपदार्थानामसंक्रमचमत्क्रिया ।
चिन्मात्रपरिणामेन विदुषैवानुभूयते ।। ७ । ।१११ ।।
અર્થ : પરસ્પર મળેલા જીવ-પુદ્ગલાદિ પદાર્થોનો ભિન્નતારૂપ ચમત્કાર વિદ્વાનથી જ જ્ઞાનમાત્ર પરિણામ વડે અનુભવાય છે.
વિવેચન : જડ અને ચેતન તત્ત્વોનું અનાદિ-અનંત આ વિશ્વ છે. પ્રત્યેક જડ-ચેતન તત્ત્વનું અસ્તિત્વ સ્વતંત્ર છે અને સ્વરૂપ પણ સ્વતંત્ર છે. પરંતુ જડ-ચેતન તત્ત્વો એકબીજા સાથે ક્ષીર-નીરની જેમ ઓતપ્રોત થઈને રહેલાં છે! તે તત્ત્વોની ભિન્નતા એક માત્ર જ્ઞાનપ્રકાશથી જોઈ શકાય છે.
For Private And Personal Use Only