________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
1]
પ્રિય આત્મસાધક,
સસ્નેહ આત્મવંદન,
પત્ર મળ્યો. મનને દંભથી બચાવવાની વાત તારા મનમાં જચી ગઈ, જાણીને આનંદ થયો. મહાનુભાવ, દંભથી, કપટથી, માયાથી મનને મુક્ત રાખવું સહેલું કામ નથી. કારણ કે મન માણસના કહ્યામાં નથી, પરંતુ માણસ મનના કહ્યામાં છે! માણસ ઘોડા પર સવારી કરે તે સમજાય છે, પરંતુ ઘોડો માણસ પર સવારી કરે, એ વાત જ બેહૂદી છે. આવી જ એક બેહૂદી વાસ્તવિક્તા એ છે કે આપણું મન આપણા પર ચોવીસ કલાક સવારી કરે છે. મનની આ ગુલામી કેવી રીતે દૂર કરવી?
૧૧, મન અને મનઃશુદ્ધિ
મનની આ ગુલામીને તોડી નાંખી મન પર વિજય મેળવે છે માત્ર યોગીપુરુષો. આ વિશ્વમાં સદૈવ-સર્વત્ર યોગીપુરુષો જ વિજય પ્રાપ્ત કરે છે. વિજયનું મૂળ કારણ હોય છે એમનો સમતાભાવ. એમની સમતા સહજ હોય છે. સમતાનો લયયોગ હોય છે. કોઈ સ્વાર્થપ્રેરિત સમતા નથી હોતી. દાંભિક સમતા નથી હોતી. દાંભિક સમતા તો તેમને રાખવી પડે કે જેમને કોઈ ભૌતિક કાર્ય સિદ્ધ કરવું હોય, કોઈ સ્વાર્થસિદ્ધિ પ્રાપ્ત કરવી હોય. યોગીપુરુષો તો ભૌતિક ઋદ્ધિસિદ્ધિ તરફ ઉદાસીન હોય છે. નિર્મમ હોય છે. પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં અનાસંગ-અનાસક્ત હોય છે.
આવા સમત્વપૂર્ણ લયયોગથી યોગીને ‘ઉન્મનીભાવ'ની પ્રાપ્તિ થાય છે. અર્થાત્ બાહ્ય રીતે અને આંતરિક રીતે મન સર્વથા ચિંતામુક્ત - વિચારમુક્ત થઈ જાય છે. આત્મા સ્વભાવમાં તન્મય બને છે. આત્મા મનને પ્રેરણા કરતો નથી. મન ઇન્દ્રિયોને પ્રેરણા કરતું નથી ત્યારે ઉભય-ભ્રષ્ટ બનેલું મન સ્વયં જ નાશ પામે છે. આ રીતે ‘મનનો નાશ' થવો તે ઉન્મનીભાવ છે.
અતિ ચંચળ, અતિ સૂક્ષ્મ અને તીવ્ર ગતિવાળા મનને, જરાય પ્રમાદ કર્યા વિના, જરાય વિશ્રામ કર્યા વિના, ઉન્મનીભાવથી ભેદી નાંખવુ જોઈએ. વીંધી નાંખવું જોઈએ.
‘અધ્યાત્મસાર’ માં ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ મનને સ્થિર કરવા અને શુદ્ધ કરવા માટે પૂરો એક અધ્યાય લખેલો છે! ‘મનઃશુદ્ધિ' નામના અગિયારમા અધ્યાયમાં ૨૨ શ્લોકો લખેલા છે. પ્રારંભે જ તેમણે કહ્યું છે :
For Private And Personal Use Only