________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫
લય-વિલય-પ્રલય સાધકોનો, ઋષિ-મુનિઓનો અનુરાગી છું.” આ વિચારથી મનને નિર્દભ રાખવાનું છે. કારણ કે નિર્દભ સાધક ભલે ઓછી ધર્મક્રિયા કરતો હોય, પરંતુ યથાર્થતાને સ્વીકારી ગુણાનુરાગી બની જીવતો હોય છે તો એ કર્મોની નિર્જરા કરે છે.
જે ખરેખર સાધક નથી, સાધુતાથી રહિત છે, તે પોતાને સાધક-સાધુ-મુનિ કહેવડાવે છે, તેનું નામ લેવામાં પણ પાપ લાગે. એવા દંભીઓથી સો ગજ દૂર રહેવું. આવા દંભીઓ દુનિયાને છેતરતા હોય છે. “હું ધર્માત્મા છું, હું મોટો સાધક છું' આવી કીર્તિના લોભથી જે દાંભિક સાધુ પોતાને વિશ્વમાં અદ્વિતીય સમજે છે, બીજાઓને તણખલાતુલ્ય સમજે છે તેઓ એવાં પાપકર્મ બાંધે છે કે ભવાંતરમાં એમને યોગીકુલમાં જન્મ મળતો નથી.
દંભી માણસો હંમેશાં સ્વપ્રશંસા કરતા હોય છે ને પરનિંદા કરતા હોય છે. દંભીઓને ઓળખવાની આ વાત છે. માટે મનને દંભી ન બનવા દઈશ. સરળ આત્માની જ શુદ્ધિ-વિશુદ્ધિ થાય છે. “અધ્યાત્મસાર' માં કહ્યું છે :
आत्मार्थिना ततस्त्याज्यो दम्भोऽनर्थनिबन्धनम् ।
शुद्धिः स्याद्ऋजुभूतस्येत्यागमे प्रतिपादितम् ।। આત્માર્થીએ અનર્થના કારણભૂત દંભનો ત્યાગ કરવો. આગમ(શાસ્ત્ર)માં કહેલું છે કે સરળ મનવાળા મનુષ્યની શુદ્ધિ થાય છે.”
તારે જો અધ્યાત્મના માર્ગે ચાલવું છે, આત્માની વિશુદ્ધિ પ્રાપ્ત કરવી છે, મનનો લય સાધવો છે, તો નાનકડો પણ દંભ કરીશ નહીં. જેવી રીતે વહાણમાં નાનું પણ કાણું પડી જાય તો એ વહાણ સમુદ્રમાં ડૂબી જાય છે, તેમ નાનો પણ દંભ, જીવને ભવસાગરમાં ડુબાડી દે છે. માટે તીર્થકરોએ દંભના વિષયમાં એકાંતે નિષેધ કર્યો છે. (જિનેશ્વરો એકાંતે કોઈ નિષેધ નથી કરતા કે એકાંતે અનુમતિ નથી આપતા.)
દંભથી મનને એ જ સાધક બચાવી શકે કે જે સતત “સ્વ”માં જાગ્રત હોય. જે મોહમૂઢ હોય છે કે અર્ધજાગ્રત હોય છે, તેઓ દંભના પનારે પડી જ જાય છે. તેમના મનનો લય ખોરવાયેલો જ રહે છે. તેથી જીવનનો લય સધાતો નથી. ચિદાનંદની અનુભૂતિ તરફ દૃષ્ટિ જતી નથી. આવા માણસો વિષયાનંદની ગટરમાં જ આળોટતા રહે છે...
આજે બસ, આટલું જ. તા. ૧૬-૪-૯૮
For Private And Personal Use Only