________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લય-વિલય-પ્રલય
૨૫૫ કેટલાક મહિના પછી તેઓ ભૂખ-તરસથી ત્રાસી ગયા. ભગવંત તો મૌન હતા. ચાર હજાર રાજા-સાધુઓ એક નિર્ણય કરી ગંગા નદીના તટની નજીકના વનમાં ગયા અને ત્યાં સ્વેચ્છાએ કંદમૂળ, ફળાદિકનો આહાર કરવા લાગ્યા. ત્યારથી વનવાસી-આરણ્યક શ્રમણપરંપરા (જટાધારી તાપસો) શરૂ થઈ. તેઓ સ્મરણ તો ભગવાન ઋષભદેવનું જ કરતા હતા. પરંતુ સાધુજીવનની આચારમર્યાદા જાણતા ન હતા. ભગવાને ત્યારે તીર્થસ્થાપના કરીને ધર્મપ્રવર્તન કર્યું ન હતું.
અસંખ્ય વર્ષોથી આ પરંપરા મગધના વનપ્રદેશોમાં ચાલતી રહી. ભગવાન મહાવીર સ્વામીના સમયમાં એ પરંપરા અત્યંત ક્ષીણ થયેલી હતી, છતાં ચાલુ હતી, જેમ પાર્શ્વનાથની પરંપરાના સાધુઓ એ કાળે હતા, તેમ આ આરણ્યક તાપસો પણ વનમાં રહેતા હતા. ભિક્ષા લેવા જ તેઓ ગામમાં જતા હતા.
અનંત અને અમર આ આરણ્યક શ્રમણોની સાથે ત્રણ વર્ષ રહ્યા હતા. ત્યાં એકવાર તેમને એક વૃત્તાંત સાંભળવા મળ્યો. વર્ધમાન પરમ તેજસ્વી વર્ધમાન. નામે ઓળખાતી કોઈ વિભૂતિ પ્રગટ થઈ છે. તેમણે સર્વ દુઃખો પર વિજય પ્રાપ્ત કર્યો છે અને પુનર્જન્મના ચકરાવાને થંભાવી દીધો છે. ધર્મબોધ આપતા આપતા તેમણે મગધ દેશના ગામ-નગરોમાં પરિભ્રમણ કર્યું છે. હજારો શિષ્યોથી તેઓ વીંટળાયેલા હોય છે. તેઓ પાસે કોઈ જ ધન-સંપત્તિ નથી. તેઓ અણગાર છે અને સ્ત્રી વિનાના છે. તેઓ વસ્ત્રહીન હોવા છતાં તેમની નગ્નતા લોકોની દૃષ્ટિમાં દેખાતી નથી. તેઓ પરમપવિત્ર મહાપુરુષ છે. હજારો બ્રાહ્મણો તેમના શિષ્ય બન્યા છે. અનેક રાજાઓ એમના ભક્ત બન્યા છે.
આ વાર્તા ચારેબાજુ સંભળાતી હતી ને પ્રસરતી હતી, બ્રાહ્મણ નગરમાં અને શ્રમણો-તાપસી અરણ્યમાં વાતો કરતા હતા. વર્ધમાનનું નામ માગધપ્રજામાં ફેલાઈ ગયું હતું. કોઈ તેમનું સારું બોલતું તો કોઈ ખરાબ. કોઈ તેમની પ્રશંસા કરતું તો કોઈ તિરસ્કાર.
જ્યારે દેશનો કોઈ મહા આપત્તિથી વિનાશ થતો હોય અને વાત જાણવા મળે કે એક પુરુષ, સુજ્ઞ પુરુષ, પ્રાજ્ઞ પુરુષ, પૂર્ણ પુરુષ પ્રગટ થયો છે, જેના શબ્દો અને શ્વાસ પીડાગ્રસ્તોની પીડા રુઝવવા પર્યાપ્ત હોય છે અને આ વાત
જ્યારે દેશમાં પ્રસરે છે ત્યારે કેટલાકને તેમાં શ્રદ્ધા જાગે છે... કેટલાકને એમાં શંકા પણ જાગે છે! છતાં અનેક શાણા લોકો આવા પરોપકારીની ખોજમાં નીકળી પડે છે. આ જ રીતે જ્ઞાતકુળના પ્રાજ્ઞપુરુષ વર્ધમાનનો વૃત્તાંત સમગ્ર દેશમાં પ્રસર્યો છે. શ્રદ્ધાવાનો કહેતા કે વર્ધમાનમાં અતિશય જ્ઞાન છે. હવે તેઓ જન્મ-મરણ નહીં કરે. તેમના માટે ઘણી અલૌકિક અને આશ્ચર્યજનક વાતો
For Private And Personal Use Only