________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૪
ઝાંઝરીયા મુનિ સરળ ભાવે મુનિ હવેલીમાં ભિક્ષા લેવા પ્રવેશ્યા.
હવેલીની યુવાન શેઠાણી શણગાર સજીને દ્વારે ઊભી હતી. મુનિનું મીઠાં વચનોથી સ્વાગત કર્યું.
મીઠાઈઓના થાળ સામે મૂકીને શેઠાણી બોલી : મુનિરાજ, આ મોદકમીઠાઈ ગ્રહણ કરો અને આ મેલાં કપડાં ઉતારી, સુંદર વસ્ત્રો હું આપું તે પહેરો.. આ મારી મોટી હવેલી તમારી માનો... આ સુંદર સ્ત્રીને તમારી પત્ની સમજો.... મારા શયનખંડમાં પધારો. શયનખંડને શણગાર્યો છે. પલંગ પર શ્રેષ્ઠ ગાદી-તકિયા ગોઠવેલાં છે. મારી સાથે યથેચ્છ વિષયસુખ ભોગવો... હું કામાગ્નિથી સળગી રહી છું... મારા પર પ્રેમનું અમૃત વરસાવો..! હે મુનિ, મારી વાત એક કાનેથી સાંભળી, બીજા કાનેથી કાઢી નાખશો નહીં. મારો સ્વીકાર કરો!” સામે અનુપમ રૂપ છે, અદ્ભુત સૌન્દર્ય છે! અપાર વૈભવ છે અને સ્ત્રીનું પૂર્ણ સમર્પણ છે!
છતાં મદનબ્રહ્મ મુનિનો સમતારસનો લય ખંડિત થતો નથી. એમના આત્મજ્ઞાનના અમૃતનું ઝરણું વહેતું જ રહે છે. તેમણે ખૂબ જ સ્વસ્થતાથી એ કામાતુર યુવતીને, ચંદન જેવી શીતલ વાણીમાં કહ્યું :
હે તરુણી, તું ભોળી લાગે છે. આવી વાત કરતાં તને શરમ આવવી જોઈએ. તું અને હું-આપણે ઉત્તમ કુળમાં જન્મેલાં છીએ. શું આવી વાત આપણને શોભે ખરી? એમાંય, હું તો સાધુ છું! આવો દુરાચર અમારાથી ન આચારાય. જો આવો પાપાચાર આચરીએ તો ઉત્તમ કુળને કલંક લાગે. મનુષ્ય દુઃખી થાય. માટે હે અબળા, આપણે આપણા ઉત્તમ આચારોનું પાલન કરવું જોઈએ. તો જગતમાં આપણો યશ ફેલાય.
વળી, શીલધર્મ-બ્રહ્મચર્ય તો ચિંતામણિ સમાન છે. એનો ત્યાગ કરી વિષ જેવા વૈષયિક સુખમાં કોણ રાચે? ધોધમાર વરસાદમાં જો ઊભા રહેવા કોઈ ઘર મળી જાય તો કોણ રસ્તા પર ભીંજાય? માટે તને બે મહત્ત્વની વાતો કહું છું : દુનિયામાં બે મોટાં પાપ છે – એક ચોરી અને બીજી લબાડી. આ બે પાપોથી માણસ આ ભવમાં ઘણો અપયશ પામે છે અને પરલોકમાં ભયંકર દુઃખો પામે છે.”
મુનિની વાત સાંભળી ન સાંભળી કરીને એ કામાતુર યુવતી મુનિની નજીક આવીને કહે છે :
For Private And Personal Use Only