________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૯
લય-વિલય-પ્રલય
શ્રીરામને જોયા! પણ અયોધ્યાના મહેલમાં નહીં, જંગલમાં કોટિશિલા પર આરૂઢ થયેલા જોયા. ધ્યાનસ્થ દશામાં જોયા. સીતેન્દ્ર ચોંકી ઊઠયાં. સ્વગત બોલી ઊઠ્યાં‘મારા રામ! તમે પણ ચારિત્ર લીધું! ઓહો, લક્ષ્મણનું મૃત્યુ થઈ ગયું છે. લવ-કુશ ચારિત્રના માર્ગે ચાલ્યા ગયા. રામે શત્રુઘ્નની સાથે ચારિત્ર લીધું! બહુ સરસ! જીવન ધન્ય બની ગયું!'
સીતેન્દ્રે અયોધ્યામાં બની ગયેલી ઘટના જોઈ. ત્યાર પછી શ્રી૨ામ ઉપ૨નો રાગ સળવળી ઊઠ્યો. એ રાગના પડેલા સંસ્કારો નાબૂદ થયા ન હતા. રામને જોતાં જ એ સંસ્કારો જાગ્રત થયા. સીતેન્દ્ર વિચારે છે.
શ્રીરામ જો ધર્મધ્યાનમાંથી શુક્લધ્યાનમાં પ્રવેશી જાય તો કેવળજ્ઞાની બની જાય. વીતરાગ બનીને મોક્ષમાં ચાલ્યા જાય, પછી મને એમનો સંયોગ ન મળે.' શ્રીરામના કાયમી વિયોગની કલ્પનાથી સીતેન્દ્ર ધ્રૂજી ગયાં. તેમણે આગળ વિચાર્યું: ‘શ્રીરામ આયુષ્ય પૂર્ણ થતાં અહીં દેવલોકમાં ઉત્પન્ન થાય, મારા મિત્ર દેવ બને, એમનો દીર્ઘકાલીન સહવાસ મળે, પણ એ માટે મારે એમના ધ્યાનનો ભંગ કરવો જોઈએ. શુક્લધ્યાનમાં પ્રવેશતાં અટકાવવા જોઈએ.’
આનું નામ રાગની પ્રબળતા!
આનું નામ મોહની વિટંબણા!
અનેક દેવો સાથે સીતેન્દ્ર કોટિશિલા પાસે આવે છે. શ્રી રામભદ્ર મહામુનિને ધ્યાનમગ્ન જુએ છે. ચારેબાજુ વેરાન ઉજ્જડ પ્રદેશને જોયો.
માઘમાસ હતો. સીતેન્દ્રે એ ઉજ્જડ પ્રદેશને ક્ષણોમાં વિશાળ સુંદર ઉપવન બનાવી દીધું. નંદનવન સર્જી દીધું. વસંતની માદકતા ભરી દીધી. કોયલોનાં વૃંદ કૂજન કરવા લાગ્યા. વિવિધરંગી ભ્રમરો ગુંજારવ કરવા લાગ્યા જૂઈ, બકુલ અને ચંપકનાં પુષ્પો ખીલી ઊઠઠ્યાં. મલયાચલનો સુગંધી વાયુ વાવા લાગ્યો.
કામદેવ જાણે પૃથ્વી પર ઊતરી આવ્યો. સીતેન્દ્રે રૂપપરિવર્તન કર્યું. સોળ શૃંગાર સજેલી નવયૌવના સીતાનું રૂપ ધારણ કર્યું. આબેહૂબ સીતા! જાણે મિથિલાના સ્વયંવરમંડપમાં ઊભેલી સીતા ન હોય! બીજા દેવોએ પણ સુંદર માનવકન્યાઓનાં રૂપ કર્યાં. એ કન્યાઓ સાથે રૂમઝૂમ કરતી સીતા કોટિશિલા પર આવી. ધ્યાનસ્થ રામને નમન કરી પ્રાર્થના કરી : ‘હે પ્રાણનાથ! હે પ્રિયતમ! નયન ખોલો, જુઓ, તમારી હૃદયેશ્વરી સીતા તમારી સામે ઊભી છે.
For Private And Personal Use Only