________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
3. ભરતેશ્વર
--
-
ભરતેશ્વરનું શાસન છયે ખંડમાં નવોદિત સહસ્રરમિની જેમ પ્રકાશતું હતું. ભરતેશ્વરનું શાસન દંડમાં યમ જેવું અને ન્યાયમાં તથા ઐશ્વર્યમાં ઇન્દ્ર જેવું હતું. દશે દિશાઓમાં ભરતશાસનની જયપતાકા લહેરાતી હતી. ભરતેશ્વરના પ્રતાપ સામે દેવ, યક્ષ કે રાક્ષસ પણ માથું નમાવતા હતા. રાય અને રંક, શ્રીમંત અને ગરીબ, સુખી કે દુઃખી, સહુનો આધાર એ શાસન હતું.
આ એવું ન્યાયશાસન હતું કે અનાથને અનાથતા ન લાગતી. અપંગને અપંગતા ન સાલતી, ભિક્ષુકને ભિક્ષા એ ભિક્ષા ન લાગતી. પણ સમૃદ્ધિના ભર્યા એ સરોવરમાં ભરતેશ્વરની મનઃસ્થિતિ કમળ જેવી નિર્લેપ અને નિર્મળ બનતી જતી હતી. ઘણીવાર તેઓ ભોગમાં યોગની અને રાગમાં વૈરાગ્યની વાતો કરતા. ભાણાં પીરસેલાં રહી જતાં, સેજ બિછાવેલી રહી જતી, મંત્રીઓ રાહ જોતા રાજસભામાં બેસી રહેતા. ભરતેશ્વર રાજમહેલના એમના ખંડમાં મૌન ધારણ કરી ઊંડા તત્ત્વચિંતનમાં ઊતરી જતા.
- આત્માનું એકત્વ, - સંસારનું મિથ્યાત્વ, - ચૈતન્યનું અસ્તિત્વ, - સૃષ્ટિનું સ્વપ્નત્વ, - મોક્ષનું ભવ્યત્વ.
આવું બધું એમના મનમાં રમતું રહેતું હતું. આમેય એમનું મન પહેલેથી જ વિરક્ત તો હતું જ. પરંતુ ૯૯ ભાઈઓના સંસારત્યાગે એમના આંતર મનને હચમચાવી મૂક્યું હતું. અને ભગવાન ઋષભદેવના અષ્ટાપદ પર્વત પર થયેલા નિર્વાણથી તો તેઓ વૈષયિક સુખો પ્રત્યે અત્યંત વિરક્તિ અનુભવતા હતા. પ્રભુના નિર્વાણ પછી “પાંચ લાખ પૂર્વ' વર્ષો તેમણે હૃદયમાં વૈરાગ્ય ભરીને જ વિતાવ્યાં હતાં. બાહ્ય રીતે એક ચક્રવર્તી તરીકે જે કર્તવ્યો નિભાવવાં પડે, તે નિભાવતા હતા. પરંતુ હૃદય એમનું અલિપ્ત રહેતું હતું. દુનિયાને એ અલિપ્તતા નહોતી સમજાતી, પણ નિક ટ ના સ્વજ નો જાણતા હતા.
એક દિવસની વાત છે. ભરતેશ્વરે સ્નાન કર્યું. દેવદુષ્ય-વસ્ત્રથી શરીરને સાફ કર્યું. માથે પુષ્પમાલા
For Private And Personal Use Only