________________
દૂરથી આપે આ જોયું છે અને આપ આનંદવિભોર બની ગયા છો. સ્થિર પશુ પર નિશાન લાગી જવું એ અલગ વાત છે અને ભાગી રહેલ પશુ પર નિશાન લાગી જવું એ અલગ વાત છે. આ ખ્યાલ સાથે આપ હરણીની નજીક આવ્યા છો અને આપે જે જોયું છે એણે તો આપને અભિમાનના આસમાનમાં ઊડતા કરી દીધા છે.
‘માત્ર હરણી જ નહીં, હરણીના પેટમાં રહેલ બચ્ચે પણ તરફડી તરફડીને મોત તરફ ધકેલાઈ રહ્યું છે? શિકાર તો આને કહેવાય ! બાણ એક જ અને શિકાર બે ! મા પણ ખતમ અને સાથે બચ્ચે પણ ખતમ !
મહારાજા શ્રેણિક ! બબ્બે નિર્દોષ પંચેન્દ્રિય જીવોની હત્યા પર કોઈ ઉગ તો નહીં પણ આનંદ. કોઈ વ્યથા તો નહીં પણ અભિમાન ! એ જ પળે આપના પરભવના આયુષ્યનો બંધ પડી ગયો અને આપે બાંધી દીધું નરકગતિનું આયુષ્ય !
મહારાજા શ્રેણિક ! ‘બાણ એક જ અને શિકાર બે ! શિકાર તો આનું નામ!' તમારી આ શિકારની પાપ અનુમોદનાએ તમારું ત્યાં જ નરકગતિમાં જવાનું નક્કી કરી દીધું!
પરમાત્માનું! પાપ હું કરું જ નહીં એવા પ્રચંડ સત્ત્વનો તું મને સ્વામી બનાવી દે. કદાચ એવું પ્રચંડ સત્ત્વ હું ન પણ પામી શકું તો ય કરેલા કે થઈ ગયેલા પાપ પર હું રાજીપો ન અનુભવું એવી નિર્મળ બુદ્ધિ તો તું મને આપીને જ રહે! દુર્ગતિમાં મારે નથી જ જવું. દુર્ગતિનાં દુઃખો મારે નથી જ વેઠવા.