________________
તો લાગ્યો છે પણ બન્યું છે એવું કે રસ્તાના એક ખૂણે ઊભેલી જીર્ણ દીવાલ અચાનક કડડભૂસ થઈને તૂટી પડી છે તારા પર અને તારું જીવન ત્યાં જ સમાપ્ત થઈ ગયું છે.
આ બાજુ રાત્રિના સમયમાં મહાબલ નામનો એક જુગારી ચોરી કરવાના આશયે રાજભવન પાસે આવી ચડ્યો છે. પાછળના ભાગમાં દીવાલને અડીને લટકી રહેલા દોરડાને એણે જોયું છે અને એ દોરડા વાટે ચડીને એ સીધો રાજભવનમાં પહોંચી ગયો છે. સુનંદાની દાસીને એમ લાગ્યું છે કે સંકેત મુજબ તું જ આવી ગયો છે. એણે દીપક બુઝવી દીધો છે. પેલા જુગારીને એ રૂપસેન સમજીને સુનંદા પાસે લઈ ગઈ છે અને પેલો જુગારી સુનંદા સાથે વિષયસેવન કરીને દોરડા વાટે નીચે ઊતરીને રવાના થઈ ગયો છે.
| વિધિની વિચિત્રતાથી દીવાલ નીચે દબાઈને મરી ગયેલો તું સુનંદાની કુક્ષિમાં જ આવી ગયો છે. અને સુનંદાના શરીર પર દાસીને ગર્ભવતીનાં લક્ષણ દેખાતા એણે જલદ દવાઓ વગેરે આપીને સુનંદાના ગર્ભને ગળાવી નાખ્યો છે.
ભયંકર વેદના અનુભવતો તું ત્યાંથી મરીને સર્પ બન્યો તો છે પણ એક વાર સુનંદા, પોતાના લગ્ન જે રાજકુમાર સાથે થયા છે એની સાથે એ બગીચામાં આવી છે કે જ્યાં તું સર્પ તરીકે જીવન પસાર કરી રહ્યો છે. સુનંદાને જોતા વેંત તારી દૃષ્ટિ તો એના પર સ્થિર થઈ છે પણ તને એ રીતે સ્થિર થઈ ગયેલો જોઈને સુનંદા ભયભીત થઈ ગઈ છે અને એના પતિએ તને શસ્ત્રથી પતાવી દીધો છે.
તું ત્યાંથી મરીને કાગડો થયો છે. એક વાર સુનંદા એના પતિ સાથે બગીચામાં સંગીતનો આનંદ માણી રહી છે અને કાગડા બનેલા તારી નજર એના પર પડતાંની સાથે તું ‘કા...કા...' અવાજ કરવા લાગ્યો છે. તારા એ કર્કશ અવાજને શાંત કરી દેવા સુનંદાના પતિએ તારા પર બાણ ફેંકીને તને પતાવી દીધો છે.
ત્યાંથી મરીને તું હંસ થયો છે. એક કાગડા સાથે તારે દોસ્તી થઈ તો ગઈ છે પણ એક વાર એ સ્થળે આવેલ સુનંદા પર તારી દષ્ટિપડી છે અને એને નિહાળવામાં તું મગ્ન બની ગયો છે. આ બાજુ કાગડો તો રાજા પર ચરકીને ઊડી ગયો છે પણ રાજાની નજર ઉપર જતાં એને તું દેખાયો છે અને એણે તને બાણથી વીંધી નાખ્યો છે.
ત્યાંથી મરીને તું જંગલમાં હરણ બન્યો છે. એકવાર રાજા અને રાણી પોતાના કાફલા સાથે ઘોડા પર બેસીને જંગલમાં શિકાર કરવા નીકળી ગયા છે. જેવી એમની નજર હરણ બનેલા તારા પર પડી છે, તારો શિકાર કરવા એમણે ઘોડાને તારી પાછળ ભગાવ્યો છે. ઘોડાને જોઈને તું ય ભાગ્યો તો છે જ પણ તારી નજર અચાનક પાછળ ગઈ છે અને ઘોડા પર રાજાની સાથે જ બેઠેલી સુનંદા દેખાઈ ગઈ છે અને એનું રૂપ નિહાળવા તું ત્યાં ને ત્યાં જ સ્થિર ઊભો રહી ગયો છે. પળની ય વાર લગાડ્યા વિના રાજાએ તારા પર તીર ફેંક્યું છે અને એ તીર લાગવાથી ઢળી પડેલો તું ત્યાંથી મરીને સીધો હાથણીના પેટમાં રવાના થઈ ગયો છે.
પ્રભુ, ચક્ષુકુશીલતાનું માત્ર એક જ વખતનું પાપ પણ જો આત્માની આ હદની બેહાલી કરી નાખતું હોય તો જીવનભર વિજાતીયના રૂપને જોવા ઝાંવા નાખતી આંખો, આત્માને દુર્ગતિની કેવી યાત્રાએ મોકલી દેતી હશે એની કલ્પના કરતાં ય કંપારી છૂટી જાય છે. એક વિનંતિ કરું તને? મારી આંખોને તું તારા રૂપની લંપટ બનાવી દે. હું નિર્વિકારી બનીને જ રહીશ.
૧