________________
લબ્ધિધર અષાઢાભૂતિ મુનિવર ! તમારી રૂપ-પરાવર્તનની લબ્ધિ મહદ્ધિક નટની ચકોર નજરે જોઈ લીધી
અને ત્યાં ને ત્યાં જ એણે તમને સંયમથી ભ્રષ્ટ કરવાની યોજના બનાવી લીધી !
અને મુનિવર ! તમારું એ ઘરમાં ગોચરી વહોરવા જવાનું રોજનું ચાલુ થઈ ગયું. ગોચરી વહોરતી વખતે એ નટકન્યાઓના જે કામુક હાવભાવો થતા હતા એ તમારી નજર બહાર જતા નહોતા. તમે અંદરથી તૂટતા જ જતા હતા અને તમારી એ નબળાઈને જાણી ચૂકેલી એ નટકન્યાઓએ એક દિવસ તમને આમંત્રણ જ આપી દીધું.
“હે સ્વામી ! આપનું સ્વરૂપ તથા શ્રેષ્ઠ ચાતુર્ય જોઈને અમે આપના ઉપર આસક્ત થયેલી છીએ. હજી સુધી અમે કુમારી જ છીએ. તેથી કૃપા કરીને આપ અત્રે જ રહી જાઓ અને અમારી સાથે વિષયસુખ ભોગવો.”
અને મુનિવર ! તમે ગુરુદેવને જણાવવા પૂર્વક સંયમનાં વસ્ત્રો છોડીને એક વાર તો એ નટકન્યાઓને ત્યાં આવી જ ગયા છો અને વિષયસુખોમાં આસક્ત બની જ ગયા છો.
પ્રભુ, લબ્ધિધર મુનિવરના પતનની આ કથા જાણ્યા પછી મારે તને એટલી જ વિનંતિ કરવાની છે કે તું મને શક્તિ જે પણ આપે, એને પચાવવાની પાત્રતા તો મારામાં ઊભી કરી જ દેજે. લાડવા નહીં પચે તો બહુ બહુ તો ઝાડા થઈ જશે પણ શક્તિ નહીં પચે તો તો હું દુર્ગતિમાં ચાલ્યો જઈશ !
૧૩