________________ પણ, કર્મના ગણિતને કોઈ ચમરબંધી પણ ક્યાં સમજી શક્યો છે કે તું સમજી શકે? જાતિમદની આ પળોમાં તારા પરભવના આયુષ્યનો બંધ પડી ગયો છે અને તું પુષ્યદત્તના ઘરે રહેલી કૂતરીના પેટે કૂતરા તરીકે જન્મવાનું નક્કી કરી બેઠો છે. આયુષ્ય સમાપ્ત થતાં જ તું કૂતરા તરીકે જન્મ્યો છે તો ખરો પણ જન્મથી જ શરીર તારું રોગગ્રસ્ત છે. કીડાઓ તારા શરીરમાં ખદબદી રહ્યા છે. શ્વાસ તને જોરદાર ચડી રહ્યો છે. ચાલ તારી અતિમંદ છે. ત્યાંનું આયુષ્ય પૂર્ણ થતાં તું પુષ્યદત્તના ઘરે જ ફરી ગધેડીના પેટે ગધેડા તરીકે જન્મ્યો છે. નથી ત્યાં તું પૂરતું ખાવાનું પામ્યો કે નથી ત્યાં પુષ્પદત્તે તને શાંતિથી જીવવા દીધો. જીવનભર તારા શરીર પર ભારે બોજો પડકતા રહીને એણે તને દુ:ખી દુ:ખી કરી નાખ્યો છે. તારી આંખોમાંથી વહી રહેલ આંસુની ધાર જોવા છતાં એણે તારી દયા ખાધી નથી અને દુર્ગાનમાં ને દુર્ગાનમાં જ એ જીવન તે સમાપ્ત કરી દીધું છે. ત્યાંથી મરીને તું પુષ્યદત્ત દ્વારા ભોગવાયેલ એક ચંડાળ સ્ત્રીના પેટે નપુંસક તરીકે જન્મ્યો છે. કુરુપ, કલંક અને દૌર્ભાગ્ય વગેરે દોષોથી દૂષિત, વિષયસંગથી અજ્ઞાત એવો તું નાની વયમાં જ સિંહ વડે ફાડી નંખાયો છે અને એ જ ચંડાળ સ્ત્રીના પેટે પુત્રી તરીકે તું જભ્યો છે તો ખરો પણ જન્મતાવેંત સર્પદંશથી તારું મોત થયું છે અને પુષ્યદત્તની નોકરાણીના પેટે નપુંસક તરીકે તું જભ્યો છે તો ખરો પણ જન્મથી જ અંધ, વામન અને ખૂંધ નીકળેલો તું સર્વલોકથી અપમાનિત થતો કેટલોક કાળ નપુસંકપણે રહી નગરદાહમાં સળગી ગયેલ શરીરવાળો તું એ જ દાસીના પેટે પુત્રી તરીકે જન્મ્યો છે. શરીર ત્યાં તને એવું મળ્યું છે કે તું પગથી ચાલી નથી શક્યો. પીઠથી જ તારે ચાલવું પડ્યું છે અને એ જ નગરમાં રાજમાર્ગ પર ચાલી રહેલ એક પાગલ હાથીના પગ નીચે જીવન તારું સમાપ્ત થઈ ગયું છે. ત્યાંથી તું પુષ્યદત્તની કાલાંજલિકા નામની પત્નીના પેટે પુત્રી તરીકે જન્મ પામ્યો છે. યૌવનવયમાં પુષ્પરક્ષિત નામના અત્યંત ગરીબ ભિખારી સાથે તારાં લગ્ન થયા છે. પ્રસૂતિ સમયે ગાઢ વેદનાથી જીવન તારું સમાપ્ત થઈ ગયું છે અને તું તારી જ માતાના પેટે પુનઃ પુત્ર તરીકે જન્મ્યો છે. બાલ્યવયે તું રમવા ગયો છે ગાંધાર નદીના તીરે અને ત્યાં પુષ્યદત્ત ધોબીના શત્રુ કિરાતની નજરે તું ચડી ગયો છે. “આ તો દુશ્મનનો દીકરો છે' એ ખ્યાલ આવતા જ કિરાતે તને પકડી લીધો છે. તારું મોઢું દબાવી દઈને એણે તારા ગળે મોટો પથ્થર બાંધી દીધો છે અને નદીના કુંડમાં ફેંકી દઈને એણે તને પતાવી દીધો છે. એક જ ભવમાં કેળવેલ જાતિમદના આ દેખીતા નાનકડા પાપે તારા આત્માની આ હદે રેવડી દાણાદાણ કરી નાખી છે. નથી એ ભવોમાં કોઈએ તારાં આંસુ લૂક્યા કે નથી તારા બરડે વાત્સલ્યનો હાથ ફેરવ્યો ! પ્રભુ! અભિમાન જો આ હદે આત્માના અરમાનોને ચૂરચૂર કરી દેતું હોય તો એનો અર્થ તો એટલો જ થાય છે કે તારા સેવક હોવાના અભિમાનને છોડીને બીજું કોઈ પણ પ્રકારનું અભિમાન મારે કરવા જેવું નથી. તને એક વિનંતિ કરું? તું મને “સેવક કહીને બોલાવતો રહે. પેલાં દુર્ગતિદાયક અભિમાનો રવાના થઈને જ રહેશે. 99