________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૦૩
લંકા-પરિષદ
વાચાળ દૂત, તારા લંકાપતિને કહેજે કે રામને રાજ્ય જોઈતું નથી. વિશાળ અંતઃપુરનું કોઈ પ્રયોજન નથી. જો એ પરસ્ત્રીલંપટને એના ભાઈઓ અને પુત્રો પાછા જોઈતા હોય તો જાનકીને બહુમાનપૂર્વક મારી પાસે મોકલી આપે. બાકી બીજો વાણીવિલાસ કરવાની આવશ્યકતા નથી. કોનો સર્વનાશ થશે, તે તો હવે રાવણ યુદ્ધમાં ઊતરે એ જ દિવસે નિર્ણત થઈ જશે.'
“હે રામ, એક સ્ત્રીની ખાતર પોતાના પ્રાણને હોડમાં મૂકવા, તે તમને ઉચિત નથી. ઠીક છે, રાવણના પ્રહારથી મૃતપ્રાય: બનેલા લક્ષ્મણ એક વાર જીવી ગયા. પણ હવે એ કેવી રીતે જીવશે? તમે અને આ વાનરો કેવી રીતે જીવ બચાવી શકશો? એક રાવણ જ સ્વયં સકલ વિશ્વનો નાશ કરવા સમર્થ છે, માટે એમના પ્રભાવ પર તમે ગંભીર વિચાર કરો.”
લક્ષ્મણજીનો પુણ્યપ્રકોપ પ્રગટ્યો :
“અરે દુષ્ટ દૂત, હજુ સ્વશક્તિને-પરશક્તિને તું નથી જાણતો. ત્રણ દિવસના યુદ્ધમાં તેણે અમારી શક્તિ અનુભવી નથી? ભાઈઓ મરાયા અને પકડાયા, પુત્રોના વધ થયા અને પકડાયા. એક અંતઃપુરની સ્ત્રીઓ સિવાય એના પરિવારમાં કોણ બચ્યું છે? છતાં પોતાના પરાક્રમની બિરુદાવલિ ગાતો ફરે છે? ધિક્કાર છે એને અને તને, એવા અધમ રાજાનો સંદેશો લઈ તું આવ્યો છે. આ તારી ધૃષ્ટતા છે. ફળ-ફૂલ અને ડાળ-પાંદડાથી રહિત વૃક્ષ જેવો રાવણ એકાકી પડી ગયો છે, એ અમારી સામે હવે કેટલું ઝઝૂમે છે, તે જોજે. જા, શીધ્ર જા, તારા રાજાને કહેજે કે યુદ્ધ માટે તૈયાર થાય, મારી ભુજાઓ એનો વધ કરવા સજ્જ છે.”
લક્ષ્મણજીના પ્રત્યુત્તરનો ઉત્તર આપવા જતા સામંતની અંગદે ગળચી પકડી, બહાર ધક્કો માયો અને કાઢી મૂક્યો.
સામંત હતપ્રભ બની, લંકાની મંત્રી પરિષદમાં આવી પહોંચ્યો. તેને જોતાં જ રાવણ રામનો પ્રત્યુત્તર સમજી ગયો. સામંત શ્રી રામ અને લક્ષ્મણે કહેલી વાતો અક્ષરશઃ કહી દીધી. રાવણ ઉદ્વિગ્ન ચિત્તે, બધું સાંભળી રહ્યો. હવે શું કરવું? તેને કંઈ સૂઝયું નહીં. મંત્રીઓને તેણે પૂછ્યું :
કહો, સંપ્રતિ શું કરવું?'
જીવનમાં ક્યારેય નહીં જોયેલી દીનતા આજે લંકાપતિના મુખ પર દેખાઈ. મંત્રીઓનાં હૃદય પણ ગ્લાનિથી ભરાઈ ગયાં.
“રાક્ષસેશ્વર, શાંત થાઓ. શાંતિનો માર્ગ વિચારો. યુદ્ધના માર્ગે શાન્તિ નથી. રાક્ષસ કુળનો આટલો ભીષણ સંહાર થયા પછી પણ તમે નહીં વિચારો?
For Private And Personal Use Only