________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લંકા-પરિષદ
ફ૯૯ પરંતુ હાય દુર્ભાગ્ય! લક્ષ્મણ જીવી ગયો, એ સમાચાર અને પ્રભાતકાળે જ મળી ગયા. હવે શું કરવું? કુંભકર્ણાદિને કેવી રીતે છોડાવવા? માર્ગ બતાવો મારા પ્રિય મંત્રીશ્વરો.”
રાજસભા વિચારમાં ગરકાવ થઈ ગઈ. ત્યાં મહામંત્રીએ ઊભા થઈ કહ્યું :
“રાક્ષસેશ્વરે ઉપસ્થિત કરેલ પ્રશ્નનું એક જ સમાધાન અમને સૂઝે છે, કુંભકર્ણ આદિને શ્રી રામ પાસેથી મુક્ત કરવા માટે સર્વ પ્રથમ આપે રામપ્રિયા સીતાને મુક્ત કરવી જોઈએ. હા, આપની ઇચ્છાથી વિપરીત આ સલાહ છે, છતાં રાક્ષસકુળને સર્વનાશમાંથી ઉગારી લેવા માટે અપ્રિય પણ સાચી સલાહ આપવી, અમારું એક કર્તવ્ય સમજીએ છીએ.
હે વિશ્વવિજયી સમ્રાટ' આપણે કેટલું બધું ગુમાવ્યું છે? જે વીર યુદ્ધના અગ્નિમાં હોમાઈ ગયા, તે તો પાછા મળવાના નથી. હસ્ત-પ્રહસ્ત અને મહોદર જેવા સેનાપતિઓ હણાઈ ગયા. કોઈ રાજકુમારો માર્યા ગયા, લાખો સુભટોના મૃતદેહોથી લંકાનાં પાદર ગંધાઈ ઊઠ્યાં. અરે, એની પણ ચિંતા નહીં, સત્યની રક્ષા ખાતર, સંસ્કૃતિની રક્ષા ખાતર, આ બધું કરવું પડે તો કરવું જોઈએ. પણ રાજેશ્વર! આપ જ વિચારો, સત્ય આપણા પક્ષે છે? સંસ્કૃતિની રક્ષા આપણા પક્ષે છે? ના, જરાય નહીં. માટે ઘોર સંહારને રોકવો જોઈએ. રાક્ષસકુળની ભવ્ય સંસ્કૃતિના ઈતિહાસને કલંકિત બનતો રોકવો જોઈએ. તે માટે સીતાને બહુમાનપૂર્વક રામને સમર્પિત કરી દેવી, એ જ એક ઉપાય મને સૂઝે છે. બીજા મંત્રીઓ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરી શકે છે.”
મહામંત્રીનો વૃદ્ધ દેહ ધ્રુજતો હતો. તેઓ બોલતાં બોલતાં થાકી જતા હતા. તેઓ બેસી ગયા. રાજસભા પુનઃ શાંત થઈ ગઈ. રાવણ ભૂમિ તરફ દૃષ્ટિ રાખી, વિચારમાં ડૂબી ગયો. ધીરે ધીરે રાજસભા પર દષ્ટિ ફેરવી તે બોલ્યો :
મહામંત્રીએ સૂચવેલો ઉપાય તો મને બિભીષણ યુદ્ધ પૂર્વે જ્યારે હનુમાન આવી ગયો હતો ત્યારે સૂચવ્યો હતો. પણ એ ઉપાય શક્ય નથી. મારે શક્ય ઉપાય જોઈએ છે. જો સીતાને જ પાછી સોંપી દેવાની હોત તો હું આ ઘોર સંગ્રામ શા માટે ખેલત? અને હા, જો મને મારા પરાજયની શંકા હોય તો હજુ હું તમારા સૂચવેલા માર્ગે જાઉં, પણ મને મારા પરાજયની જરાય શંકા નથી. મને ચિંતા છે એકમાત્ર કુંભકર્ણ આદિની! એમને મુક્ત કરવા માટે કોઈ ઉપાય..?'
એવો ઉપાય અમારી પાસે નથી. સીતાને મુક્ત કર્યા વિના કુંભકર્ણ આદિ કોઈ મુક્ત નહીં થઈ શકે.
For Private And Personal Use Only