________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હનુમાનજીનું નિર્વાણ
૯૦૧
પુરુષાર્થ માટેનું જીવન છે. તેમ તમારી ભાવનાને સફળ બનાવો, એ જ મારી કામના છે.’
હનુમાનજીનો હર્ષોલ્લાસ વધી ગયો. તેઓ પુનઃ પુનઃ ગુરુદેવને વંદના કરી નગરમાં આવ્યા. નગરમાં સર્વ મંદિરોમાં મહોત્સવો ઊજવવાની આજ્ઞા કરી. સર્વે રાજકેદીઓને બંધનમુક્ત કર્યા.
બીજી બાજુ એક મહત્ત્વપૂર્ણ ગંભીર ઘટના બની.
દીક્ષા મહોત્સવ-પ્રસંગે આવેલા સાડાસાતસો રાજાઓ ભેગા થયા. સહુનાં મન રાગ અને ત્યાગના વિચારમાં અટવાયાં હતાં. હનુમાનજીના સંસારત્યાગના નિર્ણય રાજાઓના રાગને હચમચાવી મૂક્યા હતા. શું જીવનમાં ત્યાગ કર્યા વિના મુક્તિ ન મળે? મન પવિત્ર રાખવાથી ન ચાલે? અનેક પ્રશ્નો થતા હતા. સાડાસાતસો રાજાઓ હનુમાનજી પાસે પહોંચ્યા. હનુમાનજીએ સર્વેનું ઉચિત સન્માન કર્યું. રાજાઓને લઈ હનુમાનજી મહેલના ઉદ્યાને ગયા. ત્યાં વૃક્ષોની ઘટાઓ નીચે સ્વચ્છ ભૂમિ પર સહુ બેઠા. સર્વે ૨ાજાઓનાં મુખ પર ગંભીરતા છવાયેલી હતી. સહુનાં હૃદય હનુમાનજી પ્રત્યે અનુરાગવાળાં હતાં. હનુમાનજીએ જ વાર્તાનો પ્રારંભ કર્યો :
‘કહો, કુશળ છો ને?’
‘આપનાં દર્શનથી અમે સહુ કુશળ છીએ, પ્રસન્ન છીએ, પરંતુ અમારા સહુના મનમાં કેટલાક પ્રશ્નો છે, મૂંઝવણો છે. એ આપશ્રી દૂર કરી શકો એમ જ છો.’
‘કો મારા મિત્રો, તમારા પ્રશ્નો પ્રગટ કરો. તમને મારા અલ્પજ્ઞાન અનુસાર ઉત્તર આપીશ.'
મહેન્દ્રપુરના રાજા શ્વેતકીર્તિએ પૂછ્યું :
‘મહારાજા, મોક્ષ છે અને મોક્ષ મેળવવા પુરુષાર્થ કરવો જોઈએ, એ વાત અમે માનીએ છીએ, પરંતુ એ મોક્ષ--અવસ્થા મેળવવા માટે શું સંસારનો ત્યાગ કરવો જ પડે?'
‘શ્વેતકીર્તિ, હું સંસારનો ત્યાગ કરતો નથી, સંસારમાં હું રહી જ શકું એમ નથી! ત્યાગ કરવાનું તત્ત્વ નથી, ત્યાગ સ્વાભાવિક જ થઈ જતો હોય છે. જેમાં મન ન માને તેને ત્યજી જ દેતું હોય છે. મને આત્માના શુદ્ધ સ્વરૂપની એટલી તીવ્ર અભિલાષા છે કે હું સંસારમાં રહી શકતો નથી. મને અરણ્ય પોકારે છે, મને એકાંત પોકારે છે. પરમાત્મસ્વરૂપની પ્રાપ્તિ સિવાય મને કંઈ જ હવે ગમતું નથી.’
For Private And Personal Use Only