________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લવ-કુશ અયોધ્યામાં
૮૪૭ સમગ્ર રાજ્યમાં મહાન ઉત્સવ મંડાવો. સર્વમંદિરોમાં પૂજન રચાવો. દીનહીન યાચકોને દાન આપો. કારાવાસમાંથી બંદીજનોને મુક્ત કરો.' મંત્રીમંડલે શ્રી રામની આજ્ઞા શિરોધાર્ય કરી અને અયોધ્યાના વિશાળ રાજ્યમાં મહોત્સવો મંડાયા.
શ્રી રામના મહેલમાં જ લવ અને કુશને ઉતારવામાં આવ્યા. હજારો નાગરિકો સીતાજીના બે પરાક્રમી પુત્રરત્નોને જોવા, સત્કારવા અને અભિનંદવા આવવા લાગ્યા. શ્રી રામનો મહેલ વર્ષો પછી પુનઃ ચેતનવંતો બન્યો. જ્યારથી સીતાજીનો શ્રી રામે ત્યાગ કર્યો હતો ત્યારથી શ્રીરામનો મહેલ શૂન્યવત્ બની ગયો હતો.
આજે લવ અને કુશને લક્ષ્મણજીની સાથે ભોજન કરવાનું હતું. બંને રાજકુમારોને લક્ષ્મણજી પોતાના મહેલે લઈ આવ્યા હતા. લક્ષ્મણજીની હજારો રાણીઓનું અંતઃપુર લવ-કુશનું સ્વાગત કરવા, તેમને લાડ લડાવવા અધીરું બન્યું હતું.
લક્ષ્મણજીએ આ પ્રસંગે વાનરદ્વીપના અધિપતિ સુગ્રીવને પોતાના મહેલે ભોજન માટે નિમંત્રણ પાઠવ્યું હતું. સાથે બિભીષણ, હનુમાન, અંગદ, ભામંડલ ઇત્યાદિ ગાઢસ્નેહી વર્ગને પણ ભોજન માટે આમંત્ર્યા હતા. લક્ષમણજીના આમંત્રણને સ્વીકારી સહુ ત્યાં આવ્યા.
ભોજન પૂર્વે તો લવ-કુશની બાંધવબેલડી લક્ષ્મણજીના અંતઃપુરના રાણીઓના લાડ-કોડમાંથી જ મુક્ત ન થઈ, ભોજનનો સમય થતાં લક્ષ્મણજી લવ-કુશને લઈ આવ્યા. સુગ્રીવ આદિ રાજાઓએ લવ-કુશનું વીરોચિત સ્વાગત કર્યું. દેવી સીતાજીના પુત્રો તરીકે સ્નેહાલિંગન આપ્યાં.
વિદ્યાધરોએ દિવ્ય વાજિંત્રોના નાદ કર્યા. અને ભોજન પ્રારંભ થયો. સહુએ અતિ હર્ષથી, આનંદથી અને ઉમંગથી ભોજન કર્યું. પરંતુ સુગ્રીવના મુખ પર હર્ષ ન હતો. સુગ્રીવ ગંભીરતાથી ભોજન કરતા હતા. વારંવાર તેમની દૃષ્ટિ લવ-કુશ તરફ જતી હતી. ભામંડલ સુગ્રીવના મુખ પરની રેખાઓ વાંચવા પ્રયત્ન કરી રહ્યા હતા, જ્યારે લવ-કુશ તો સ્નેહસાગરમાં ડૂબકીઓ મારતા, આ નવી દુનિયામાં લીન થઈ ગયા હતા.
ભોજનવિધિ પૂર્ણ થયા પછી, સહુ લક્ષ્મણજીના વિશાળ મંત્રણાગૃહમાં પ્રવેશ્યા. વિશાળ સિંહાસન પર લક્ષ્મણજી લવ-કુશ સાથે આરૂઢ થયા. તેમની આસપાસ ગોઠવાયેલાં સિંહાસનો પર બિભીષણ, સુગ્રીવ આદિ રાજા, મહારાજાઓ આરૂઢ થયા. લક્ષ્મણજીએ આમંત્રિત મહેમાનોને ઉદ્દેશીને કહ્યું:
પ્રિય મિત્રો, આજે તમે મારા નિમંત્રણથી મારે દ્વારે પધાર્યા તેથી મને ઘણો હર્ષ થયો છે. આજનો ભોજનસમારંભ મેં મારા પ્રિય કુમારો લવ-કુશના
For Private And Personal Use Only