________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૦૬
જેન રામાયણ સેનાપતિ, દેવી સીતાને સમેતશિખરની યાત્રાનો દોહદ છે, માટે સમેતશિખરની યાત્રાના બહાને તું એને લઈ જજે ને ત્યજી દેજે.”
લક્ષ્મણજી આસું વહાવતા ત્યાંથી પોતાના મહેલમાં ચાલ્યા ગયા. શ્રીરામની મર્યાદાના બંધને લક્ષ્મણજીને નિરૂપાય બનાવી દીધા હતા. લક્ષમણજી વાસુદેવ હતા. સત્તા અને શક્તિના માલિક હતા. પરંતુ શ્રી રામની ઉપરવટ થઈને, મહાસતી સીતાની રક્ષા કરી શક્યા નહીં. સીતાજી પ્રત્યેની નિર્મળ ભક્તિથી લક્ષ્મણજી વ્યાકુળતા, વેદના અને વ્યથાથી ઘેરાઈ ગયા, પરંતુ તેઓ કંઈ પણ કરી શક્યા નહીં. શ્રી રામની આજ્ઞા તેમના માટે અલંધ્ય હતી. સેનાપતિ કૃતાન્તવદન!
એ ગમે તેમ તો ય રાજ્યનો સેવક હતો. મહાસતીને બિહામણા વનમાં ત્યજી આવવાનું કામ તેણે કરવાનું હતું. તે શત્રુઓ માટે યમરાજ હતો, મિત્રો માટે નહીં. મહાસતી પ્રત્યે એના હૃદયમાં અનહદ શ્રદ્ધા હતી, પરંતુ શ્રી રામ સામે બચાવ કરવો વ્યર્થ લાગ્યો. “જ્યાં લક્ષ્મણજીને શ્રી રામે અવગણી નાંખ્યા ત્યાં મારું શું ઊપજે ?” સેનાપતિનું હૃદય વેદનાથી ભરાઈ ગયું. હૃદયમાં વ્યથા અને આંખોમાં આંસુ લઈ, કૃતાંતવદન સીતાજીના મહેલે પહોંચ્યા, રથને મહેલના દ્વારે સ્થાપી, તેઓ સીતાજીના આવાસમાં પહોંચ્યા. પરિચારિકાએ સીતાજીને સેનાપતિના આગમનનું સૂચન કર્યું. સીતાજી સ્વસ્થ બન્યાં અને સેનાપતિએ પ્રવેશ કર્યો. સીતાજીને નમન કરી નિવેદન કર્યું :
શ્રી રામચંદ્રજીની સેવકને આજ્ઞા છે કે મહાદેવીની યાત્રા-મનોરથ પૂર્ણ કરવો. આપશ્રીની ઇચ્છા સમેતશિખર તીર્થની યાત્રા કરવાની છે, તો આપ પધારો. રથ નીચે જ તૈયાર છે.' કૃતાન્તવદને હૃદયને દૃઢ કરી, નીચી દૃષ્ટિએ બોલી નાંખ્યું.
સીતાજી શ્રી રામનો આદેશ સાંભળી પ્રસન્ન થઈ ગયાં. ઘણા સમયથી તેમને સમેતશિખરની યાત્રાનો દોહદ પ્રગટ્યો હતો. તેમણે શ્રી રામને દોહદ જણાવ્યો પણ હતો. પણ આજે એ મનોરથ પૂર્ણ થવાની આશા જન્મી! સીતાજીને બીજી કોઈ તૈયારી કરવાની હતી જ નહીં. તેઓ તરત વસ્ત્રપરિવર્તન કરી, રાજમહેલનાં સોપાન ઊતરવા લાગ્યાં.
તેઓ ક્યાં જાણતાં હતાં કે એમના પ્રાણપ્રિય શ્રી રામ આજે એમની સાથે કપટ કરી રહ્યા હતા? તેઓ ક્યાં જાણતાં કે એમને તીર્થયાત્રાએ નહીં, પરંતુ વનયાત્રાએ લઈ જવામાં આવી રહ્યાં હતાં? તેઓ ક્યાં જાણતાં હતાં કે આજે અયોધ્યાના મહેલનાં પગથિયાં તેઓ સદા માટે ઊતરી રહ્યાં હતાં?
For Private And Personal Use Only