________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૦૪
જૈન રામાયણ શ્રી રામ તો એમના વિચારોમાં ખોવાયેલા હતા : “મેં જે સીતા માટે રાક્ષસકુલનો ક્ષય કર્યો, રૌદ્ર યુદ્ધ કર્યું, અરેરે, એ સીતાના માટે આ શું આવી પડ્યું? હું જાણું છું, સીતા મહાસતી છે. રાવણ સ્ત્રીલોલુપ હતો પણ મારું કુળ નિષ્કલંક છે. હા, આ રામે શું કરવું જોઈએ? હું કેવી વિકટ સ્થિતિમાં મુકાઈ ગયો?”
ત્યાં ગુપ્તચરોએ પ્રવેશ કર્યો. શ્રી રામ અને લક્ષ્મણજીને નમન કરી, તેમણે નિવેદન કર્યું : “મહારાજા, અયોધ્યાની ગલી-ગલીમાં, ચોરે ને ચોતરે બસ એક જ ચર્ચા છે, “સીતાજી પવિત્ર, નિષ્કલંક ન હોઈ શકે. રાવણને ત્યાં દીર્ઘ સમય રહેલાં, સીતાજીને રાવણની લોલુપતા છોડે?” હે નાથ, પ્રજા જાતજાતની વાત કરી રહી છે.' ગુપ્તચરોની વાત સાંભળી, લક્ષ્મણજી રોષથી ધમધમી ઊઠ્યા :
દેવી સીતા મહાસતી છે, કોઈ ચોક્કસ કારણોથી આ દોષ ઉપજાવી કાઢવામાં આવેલો છે, ભલે જેમને નિંદા કરવી હોય તે કરે, એ નિંદકોનો યમરાજ આ લક્ષ્મણ બેઠો છે. લક્ષ્મણ સહન નહીં કરે.” લક્ષ્મણજીના શબ્દોથી ગુપ્તચરો ધ્રુજી ઊઠ્યા. શ્રી રામ બોલ્યા :
લક્ષ્મણ, આ પૂર્વે નગર-મહત્તરો મારી પાસે આવ્યા હતા. તેમણે મને સીતા અંગે નગરમાં ફેલાયેલા પ્રવાદની વાત કરી હતી. ત્યાર પછી મેં સ્વયં નગર-ચર્ચાનું શ્રવણ કર્યું અને ત્યારબાદ મેં ગુપ્તચરોને પુનઃ નગર-ચર્ચાની માહિતી મેળવવાનો આદેશ કર્યો હતો. એટલે આ ચરપુરુષોએ તો માત્ર લોકચર્ચાનો અનુવાદ જ કર્યો છે.”
ભલે, પરંતુ આપ એ વાતોને ધ્યાનમાં ન લેશો.”
ધ્યાન પર લીધા વિના ચાલે જ નહીં. સીતાનો મેં લંકા જઈને સ્વીકાર કર્યો, એ જ આ પ્રવાદનું મૂળ કારણ છે. હવે તું સીતાના ત્યાગમાં વિઘ્ન કરીને પુનઃ અપવાદનું કારણ ન બન.” સીતાજીના ત્યાગની વાતથી લક્ષ્મણજી વિહ્વળ થઈ ગયા; તે બોલ્યા :
હે આર્યપુત્ર, લોકોની વાતોથી દોરવાઈને દેવી સીતાનો ત્યાગ ન કરો. લોકોનું મોં બાંધી શકાતું નથી. ગમે તે પ્રકારે દેવી સીતાને કલંકિત કરવામાં આવી છે, પણ સીતાજી પૂર્ણ નિર્દોષ છે. લોકો હમેશાં રાજપરિવારના દોષ જોતા હોય છે. રાજપરિવારને કલંકિત કરતા હોય છે. ભલે એવા લોકોને શિક્ષા ન કરો, પરંતુ એમની ઉપેક્ષા કરવી જોઈએ. એ લોકોની વાતો ધ્યાન પર લઈ કોઈ પગલું ન ભરવું જોઈએ.”
For Private And Personal Use Only