________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ
૭૫૨
પરંતુ તેમનું મન તો માતૃદર્શન માટે આતુર હતું! તેમની માતાઓ પુત્રદર્શન માટે ખૂબ આતુર હતી. આતુરતા પછીનું મિલન કેવું રોમાંચક હોય છે! કેવું આહ્લાદક હોય છે! કેવું તૃપ્તિકારી હોય છે! રાજ્યમહાલયના વિશાળ પ્રાંગણમાં પુષ્પક વિમાન ઊતર્યું. શ્રીરામ ત્રણેય ભાઈઓ સાથે ને સીતાજી સાથે અપરાજિતાના મહેલ તરફ ઝડપથી ચાલ્યા.
અપરાજિતાના મહેલમાં પ્રવેશતાં જ શ્રીરામ અને લક્ષ્મણ માતાનાં ચરણોમાં ઢળી પડ્યા. અપરાજિતાએ બંને પુત્રોના માથે હાથ મૂકી, ખૂબખૂબ આશીર્વાદ આપ્યા. શ્રી રામે અપરાજિતા જનેતાના મુખ સામે જોયું. માતાનું મુખ અકાળે વૃદ્ધ બની ગયું હતું. તેના શરીર પર ન હતા અલંકાર કે ન હતાં કિંમતી વસ્ત્રો, એક મહાન રાજમાતાના શરીર પર ન હતો વૈભવ કે ન હતું રૂપ-સૌન્દર્ય, આંખોમાં ઉદાસીનતા છવાયેલી હતી અને વાણીમાં આર્દ્રતા ભરેલી હતી. શ્રી રામે વારંવાર માતાના ચરણે મસ્તક મૂકી, માતાનાં ચરણ આંસુથી પખાળી દીધાં. ત્યારબાદ સુમિત્રા, કૈકેયી અને સુપ્રભાનાં ચરણે નમસ્કાર કરી, માતાઓના આશીર્વાદ લીધા. ચારેય ભાઈઓ અપરાજિતાની સામે બેસી ગયા.
ત્યાર પછી સીતા, વિશલ્યા વગેરે પુત્રવધૂઓએ અપરાજિતા, સુમિત્રા વગેરે સાસુઓનાં ચરણે નમસ્કાર કર્યા. અપરાજિતાએ તો સીતા અને વિશલ્યાને પોતાના બાહુપાશમાં જકડી લઈ, ખૂબ આલિંગન આપ્યાં, પુનઃપુનઃ આશીર્વાદ આપ્યા.
વિશલ્યા વગેરે લક્ષ્મણજીની પત્ની માટે તો અયોધ્યા અને અયોધ્યાનો રાજપરિવાર નવો નવો જ હતો. અયોધ્યાના વૈભવે, રાજપરિવારની ભવ્ય અસ્મિતાએ અને નગરજનોના ઉષ્માભર્યા સ્વાગતે એમના હૃદયને આનંદ અને ગૌરવથી ભરી દીધું હતું. તેમાંય સાસુઓના વાત્સલ્યે, અપાર સ્નેહે તેમના સમગ્ર વ્યક્તિત્વને પ્રભાવિત કરી દીધું હતું.
જો કે લક્ષ્મણ સુમિત્રાના પુત્ર હતા પરંતુ અપરાજિતા (કૌશલ્યા)ને લક્ષ્મણ ઉપર અપાર વાત્સલ્ય હતું. શ્રી રામ જો અપરાજિતાની જમણી આંખ હતા તો લક્ષ્મણ ડાબી આંખ હતા. પુત્રવધૂઓ સુમિત્રા, કૈકેયી ને સુપ્રભાના સાંનિધ્યમાં જઈને બેઠી, ત્યારે અપરાજિતાના પડખામાં જઈને લક્ષ્મણજી લપાયા. અપરાજિતાનો હાથ પોતાના હાથમાં લઈ, અપરાજિતાની આંખોમાં પોતાની આંખો મેળવીને, લક્ષ્મણજી માની સામે જોઈ રહ્યા.
‘મા!’
‘વત્સ.’ લક્ષ્મણે પોતાનું મુખ માતાના ઉત્સંગમાં છુપાવી દીધું ને રડી પડ્યા.
For Private And Personal Use Only