________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* ૩૯. સોદાસનું ઉત્થાન
‘અરે મિત્ર તું અહીં ક્યાંથી? તારી આવી બેહાલ સ્થિતિ કેવી રીતે થઈ?’ એક માણસ ત્યાં આવી ચડ્યો. સોદાસને બેભાન સ્થિતિમાં પડેલો જોઈ તે એની પાસે આવ્યો. તેને ઓળખી લેતાં એ આશ્ચર્યથી અને દુઃખથી તેની પાસે બેસી ગયો અને ઉપરનો પ્રશ્ન કર્યો, પરંતુ સોદાસ કેવી રીતે ઉત્તર આપે? તે તો ગાઢ બેશુદ્ધિમાં પડ્યો હતો. આગંતુક માણસ ઊઠ્યો અને થોડે દૂર ગયો. વૃક્ષપર્ણનું પાત્ર બનાવી તે સરોવરમાંથી પાણી ભરી લાવ્યો અને સોદાસના મુખ પર ધીમેધીમે છંટકાવ કરવા લાગ્યો. વસ્ત્રના છેડાથી પવન ઢાળવા લાગ્યો. ધીરેધીરે સોદાસની મૂર્છા ઓછી થવા લાગી. બે-ત્રણ ધડી બાદ તેણે આંખો ખોલી, આગંતુક માણસને જોયો.
‘આનંદ? તું?'
‘હા, મિત્ર, પરંતુ તારી આવી સ્થિતિ...?’
‘બધી વાત પછી કરૂં છું, મને તરસ લાગી છે. પાણી મળશે?’
‘હા, હમણાં જ લાવું છું.' આનંદ દોડતો ગયો અને પર્ણ-પાત્રમાં પાણી ભરી લાવ્યો, સોદાસને આપી તે પુનઃ અટવીમાં ગયો અને કેટલીક વનસ્પતિઓ લઈને જલ્દીથી પાછો આવ્યો. વનસ્પતિઓનો રસ કાઢી તેણે સોદાસના શરીર પર પડેલા ઘા પર લગાવ્યો. સોદાસ આનંદના સહારે બેઠો થયો. વૃક્ષને અઢેલીને તે બેઠો. આનંદ પણ સોદાસની સામે બેઠો. બંનેના મુખ પર શોક, ખેદ અને ગ્લાનિની છાયા પથરાઈ ગઈ હતી.
‘આનંદ, પહેલાં તું તારો વૃત્તાંત કહે.'
‘મિત્ર શું કહું? મને ખબર પડી કે રસોઈયો પકડાઈ ગયો છે, મેં મારી સલામતીનો વિચાર કર્યો. મહામંત્રીના સ્વભાવથી આપ ક્યાં અજાણ છો? હું ગુપ્ત રીતે ત્યાંથી નીકળી ગયો. લપાતો છુપાતો અયોધ્યાના રાજ્યની સીમામાંથી બહાર નીકળી ગયો. કોઈ પણ ગામ કે નગરમાં આશ્રય લેવામાં મને ભય લાગ્યો, કારણ કે અયોધ્યાના ગુપ્તચરો માટે કોઈ પણ ગામ કે નગર ક્યાં અજાણ્યું છે? હું જંગલમાં ફરવા લાગ્યો. હું કોઈ સુયોગ્ય સ્થાનની શોધ ક૨વા લાગ્યો. એમ કરતાં ફરતો ફરતો હું આ જંગલમાં આવી ચઢ્યો. અહીંનું સ્થાન મને ઠીક લાગ્યું. નજીકમાં સરોવર છે, વળી આ જંગલમાં અનેક પ્રકારની ઔષધિઓ છે. થોડે દૂર રાજમાર્ગ પણ છે જ્યાંથી અવારનવાર ભક્ષ્ય મળી જાય છે. ભક્ષ્યની શોધમાં ફરતો ફરતો હું અહીં આવી લાગ્યો.'
For Private And Personal Use Only