________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮૫
જૈન રામાયણ
દેવી મારા પ્રાણની રક્ષા કરવા ચાહો, તો મને અત્યારે ઉપાય બતાવો. સીતા વિના હું જીવી નહીં શકું, મારા પ્રાણ ચાલ્યા જશે.'
પોતાના ભુજદંડથી દુનિયાને કંપાવનાર આજે દીન, હતાશ અને બેબાકળ બની ગયો. અવલોકની વિદ્યાદેવીના ચરણોમાં તે આળોટતો પડ્યો.
બતાવો દેવી, ઉપાય બતાવો, વિલંબ ન કરો.’
‘એક ઉપાય છે.’
‘શું? જલદી કહો...’ રાવણ જમીન પર બેસી ગયો અને ટગર ટગર દેવી તરફ જોઈ રહ્યો.
‘શ્રીરામને અહીંથી દૂર કરવા!'
‘પણ એ કેવી રીતે જાય? સીતાને મૂકી તે જાય નહીં.’
જશે! સીતા કરતાં પણ શ્રીરામને લક્ષ્મણ પર અપાર સ્નેહ છે! લક્ષ્મણ અત્યારે ખર વિદ્યાધર સામે લડી રહેલા છે. શ્રી રામે લક્ષ્મણને એક સંકેત આપેલો છે...
‘શું શું?’ રાવણ ઊભો થઈ ગયો...
‘હે વત્સ! તું સંકટમાં આવે ત્યારે સિંહનાદ કરજે. હું તારી સહાયે આવીશ.’ જો સિંહનાદ થાય તો શ્રી રામ સીતાને છોડી લક્ષ્મણ પાસે દોડી જાય અને તારું કામ..
ધન્ય દેવી, આપે મારા પર અપાર કૃપા કરી. હવે આપ વિલંબ ન કરો અને ‘સિંહનાદ’ કરીને રામને સીતા પાસેથી ખસેડી દો! બસ, પછી થોડી જ ક્ષણોમાં હું મારું કાર્ય પૂર્ણ કરીશ.’
‘અવલોકના’ વિદ્યા રાવણને પ્રણામ કરી દૂર ચાલી ગઈ. રાવણે ચન્દ્રહાસ ખડગને ઉપાડી ચૂમી લીધું. તે આનંદમાં આવી ગયો. દૂર ઊભેલી સીતાને તે નિહાળી રહ્યો. સીતાના રૂપ-લાવણ્યનું જેમ જેમ તે પાન કરતો ગયો, તેમ તેમ તેનો કાર્મોન્માદ વધતો ગયો. તેની અધીરતા વધતી ગઈ. તે ‘સિંહનાદ’ સાંભળવા ઉત્સુક બન્યો.
For Private And Personal Use Only