________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૬૧
જૈન રામાયણ
શ્રી રામ ‘વંશસ્થલ' પર્વતની તળેટીમાં આવી પહોંચ્યા. પર્વતની છાયામાં ‘વંશસ્થલ’ નામનું નગર વસેલું હતું. પરંતુ શ્રીરામે જોયું તો સંધ્યાના સમયે નગરવાસીઓ અને નગરપતિ સહુ ભયાક્રાન્ત હતાં. શ્રી રામને કંઈ સમજાયું નહીં. ત્યાં એક પુરુષને પાસેથી પસાર થતો જોઈ શ્રી ૨ામે તેને પૂછ્યું:
‘ભાઈ, આ નગરમાં એવું શું બન્યું છે કે પ્રજા આટલી વ્યાકુળ અને ભયભીત દેખાય છે?'
‘હે મહાપુરુષ, આ પર્વત પર રાત્રિના સમયે રૌદ્ર ધ્વનિ થાય છે. એટલો ભયંકર એ ધ્વનિ હોય છે કે સાંભળતાં કાળજાં ચિરાઈ જાય! તેથી રોજ નગરવાસીઓ આ નગર છોડી દૂર ચાલ્યા જાય છે અને પ્રભાતે પાછા નગરમાં આવી જાય છે, રોજ માટે આ દુઃખદાયી સ્થિતિ બની ગઈ છે.
પુરુષ ત્યાંથી જલ્દી જલ્દી ચાલ્યો ગયો. સૂર્ય આથમણી દિશામાં પહોંચી ગયો હતો.
શ્રી રામ વિચારમગ્ન થઈ ગયા. પ્રજાનું આ દુઃખ તેમના માટે અસહ્ય હતું. લક્ષ્મણજીએ કહ્યું:
‘આર્યપુત્રની ઇચ્છા હોય તો આપણે પર્વત પર જઈએ અને રાત્રિ પર્વત પર વ્યતીત કરીએ. જેથી એ રૌદ્ર ધ્વનિ કોણ કરે છે, તેનો ખ્યાલ આવશે અને એના નિવારણનો ઉપાય મળશે.’
શ્રી રામને લક્ષ્મણજીની વાત ગમી. તેમણે પર્વતારોહણ કરવું શરૂ કર્યું. નગરજનોને આ ત્રણ પરદેશીને પર્વત પર ચઢતા જોઈ ભારે આશ્ચર્ય થયું અને સાથે અતિશય ચિંતા થઈ, પરંતુ તેમને પાછા બોલાવી લાવવાની કોઈની હામ ન ચાલી.
શ્રી રામ પર્વત પર આવી પહોંચ્યા. પર્વતીય પ્રદેશ ઘણો રમણીય અને ખુશનુમા હતો. વિવિધ સુંગધી પુષ્પોની સુવાસ પથરાયેલી હતી. નાનાં નાનાં ઝરણાં વહી રહ્યાં હતાં, પરંતુ કોઈ પશુ કે પક્ષી ત્યાં દેખાતું ન હતું.
એ રમ્ય પ્રદેશમાં ફરતાં સીતાજીએ એક જગાએ ઊભેલા બે મુનિને જોયા. બંને મુનિ કાયોત્સર્ગ ધ્યાનમાં ઊભા હતા. મુનિઓને જોઈ શ્રી રામ, લક્ષ્મણ અને સીતાજીના હૃદયમાં ભક્તિભાવ પ્રગટ્યો, તેમણે જઈને મુનિચરણોમાં મૌનપણે વંદના કરી. ત્યાં મુનિ-ભક્તિ કરવા ત્રણેય બેસી ગયાં.
શ્રી રામે લીધી વીણા, જે ગોકર્ણ યક્ષે આપી હતી. લક્ષ્મણજીએ ગ્રામ-રાગ છેડચા અને સીતાજીએ નૃત્યનો પ્રારંભ કર્યો!
શ્રી રામે વીણાના તાર ઝણઝણાવ્યા. લક્ષ્મણજીએ મન મૂકીને રાગના આલાપ લેવા માંડ્યા, સીતાજીએ આજ નૃત્ય કરવામાં કમી ન રાખી.
For Private And Personal Use Only