________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ
૪૪૫ સ્મૃતિપટ પર અયોધ્યાનાં સ્મરણો જાગ્રત થવા લાગ્યાં. તેમને આનંદ અને ગ્લાનિની મિશ્ર લાગણીઓનું સંવેદન અનુભવાવા લાગ્યું.
મહામંત્રીજી, હવે વિના વિલંબે અહીંથી પ્રયાણ કરીશું, દશરથે વીરદેવ તરફ અર્થસૂચક દૃષ્ટિ કરી, વીરદેવ અચાનક અયોધ્યાપ્રયાણના નિર્ણયથી કિંઈક આશ્ચર્ય અનુભવવા લાગ્યો, કારણ કે મગધ મહામાત્ય વર્ષોથી જોઈ રહ્યા હતા કે દશરથ મગધ સામ્રાજ્યને ખૂબ ચાહી રહ્યા હતા. મગધની પ્રજા સાથે દશરથનો આત્મા એકીભૂત બની ગયો હતો. પ્રજાની ઉન્નતિ માટે દશરથે જરાય ખામી રાખી ન હતી. એ દશરથ શું આમ એકાએક મગધને છોડી જશે? વિશેષમાં જ્યારથી રામ-લક્ષ્મણનો જન્મ થયો હતો ત્યારથી તો મગધની પ્રજા રાજકુલ પ્રત્યે પૂર્ણ આત્મીયતા અનુભવી રહી હતી. વીરદેવને એ સંશય પેદા થયો કે શું મગધની પ્રજા રાજકુલને અયોધ્યા જવા દેશે? રામ-લક્ષ્મણના વિરહને શું પ્રજા સહન કરી શકશે?
વીરદેવ, તમે વિચારસમુદ્રમાં ડૂબી ગયાં! હું સમજું છું કે મગધભૂમિનો રાગ તોડવો મારા માટે ઘણો દુ:ખદ છે. મગધપ્રજાને પ્રીતિનું બંધન અકાટ્ય બની ગયું છે. હું મગધભૂમિને ખૂબ પ્રેમ કરું છું... પરંતુ... ઈસ્વાકુ-રાજધાનીમાં જવું આવશ્યક છે. પ્રયોજન ન પૂછશો! હૃદયનું સંવેદન પ્રયોજન છે! કેટલાંય પ્રયોજન અપ્રગટ રૂપે મનુષ્ય અનુભવે છે. શબ્દોમાં તે સમજી શકતો નથી, સમજાવી શકતો નથી.'
રાજગૃહીમાં વાયુવેગે વાત પ્રસરી ગઈ : “રાજકુલ અયોધ્યા તરફ પ્રયાણ કરશે! નગરવાસીઓમાં શોકની ઘેરી લાગણી વ્યાપી ગઈ. રામ-લક્ષ્મણને પણ એ સમાચાર મળી ગયા. પિતાજી આટલો શીધ્ર નિર્ણય કરશે તેવી કલ્પના તેમને ન હતી. તેઓ જાણતા હતા કે એક દિવસ અયોધ્યા જવાનું છે. અયોધ્યા વિષેની અનેક રસપૂર્ણ વાતો અવસરે અવસરે એમને મહારાજા દશરથ પાસેથી તેમજ માતાઓ તરફથી સાંભળવા મળતી હતી. અયોધ્યા જવાની અભિલાષા તેમને પણ હતી. જ્યારે તેમને અયોધ્યા જવાના સમાચાર મળ્યા ત્યારે તેમને આનંદ થયો. પરંતુ સાથે મગધભૂમિના ત્યાગની કલ્પનાએ તેમને દુઃખી બનાવી દીધા. મગધભૂમિ પર તેમનો જન્મ થવો...મગધભૂમિ પર તેમનો શૈશવકાળ વીતવો.મગધભૂમિ પર શસ્ત્રકળામાં નિપુણતા પ્રાપ્ત કરવી અને મગધભૂમિ પર તરુણાવસ્થાનો આનંદ લૂંટવ...મગધની વૈભવપૂર્ણ, પ્રેમમય અને પ્રકૃતિના સૌન્દર્યથી લસલસતી ભૂમિના ત્યાગની કલ્પના તેમને અકળાવી મૂકે તે સ્વાભાવિક છે.
બંને ભાઈઓ અંતઃપુરમાં પોતાની માતાઓ પાસે પહોંચ્યા. વિનયપૂર્વક માતાનું અભિવાદન કરીને ઊભા રહ્યા. અપરાજિતાએ કહ્યું:
For Private And Personal Use Only